ટીમ ઇન્ડિયાને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટન અને વર્તમાન વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની જલ્દી આર્મી સાથે ટ્રેનિંગ કરવાનો છે. આર્મી ચીફ બિપીન રાવતે ધોનીને ટ્રેનિંગ માટે મંજૂરી આપી દીધી છે. ધોનીએ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં રજા લઈને પેરાશૂટ રેજિમેન્ટ બટાલિયન સાથે ટ્રેનિંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેને મંજૂરી કરી લેવામાં આવી છે. હવે ધોની પેરાશૂટ રેજિમેન્ટના કમાન્ડો સામે સમય પસાર કરશે અને તેની સાથે ડ્રિલ્સમાં ભાગ લેશે. હવે સવાલ એ છે કે આખરે ધોની આ ટ્રેનિંગ કેમ કરી રહ્યો છે? એ વાત બધા જાણે છે કે આર્મી ધોનીનો પ્રથમ પ્રેમ છે. આ સાથે આ ટ્રેનિંગના ઘણા ફાયદા પણ થાય છે. આવો તમને જણાવીએ ધોનીને આર્મી ટ્રેનિંગથી શું મળશે?
માનસિક દબાણ ઓછું થશે - આમ તો ધોની કેપ્ટન કૂલના નામે ઓળખાય છે પણ હાલના દિવસોમાં તેની ઉપર વધારે પડતું દબાણ છે. વર્લ્ડ કપ દરમિયાન જ ધોનીની નિવૃત્તિની અટકળો શરુ થઈ ગઈ હતી અને ટૂર્નામેન્ટ ખતમ થતા-થતા નિવૃત્તિની માંગણીએ વધારે જોર પકડ્યું હતું. આવા સમયે ધોની ક્રિકેટમાંથી થોડો બ્રેક લઈને આર્મી સાથે ટ્રેનિંગ કરવા જઈ રહ્યો છે, જેના કારણું તેનું ધ્યાન બધી બાબતોથી હટી જશે. તે મીડિયા અને ક્રિકેટથી દૂર રહેશે. જેના કારણે તેની ઉપર દબાણ ઓછું થશે.
ગજબની ફિટનેસ - ધોની પેરાશૂટ રેજિમેન્ટ બટાલિયન સાથે ટ્રેનિંગ કરવાનો છે. આ બટાલિયન સાથે ટ્રેનિંગ કરવા માટે સારી ફિટનેસની જરુર પડે છે. ધોની 38 વર્ષનો છે અને આ ઉંમરમાં પણ તેની ફિટનેસ શાનદાર છે. આર્મી સાથે ટ્રેનિંગ કરીને ધોનીની ફિટનેસ એક અલગ સ્તરે પહોંચશે. ધોની વધારે ફિટ થશે તો તે પોતાની કારકિર્દી વધારે લાંબી ખેંચી શકશે.
તમને જણાવી દઈએ કે ધોનીને 2011માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો છે. ધોનીનો આર્મી પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપો નથી. ધોનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બાળપણથી ફૌજી બનવા માંગતો હતો. તે રાંચીના કેન્ટ એરિયામાં હંમેશા ફરવા જતો હતો, જોકે નસીબ ક્રિકેટ તરફ લઈ ગયું હતું. આ જ કારણે તે આર્મીમાં ઓફિસર ન બની શક્યો પણ ક્રિકેટર બની ગયો હતો.