નવી દિલ્હી : મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni Retirement)એક એવો ખેલાડી જેણે ટીમ ઇન્ડિયાની 16 વર્ષો સુધી સેવા કરી હતી. એક એવો ખેલાડી જેણે કેપ્ટન, વિકેટકીપર અને બેટ્સમેન તરીકે પોતાની ટીમનું માથું ગર્વથી ઉંચું કર્યું હતું. એક એવો ખેલાડી જેનું મગજ મેદાન પર કોમ્પ્યુટરથી પણ ઝડપી ચાલતું હતું. આવો ખેલાડી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. ધોનીએ 15મી ઓગસ્ટે એટલે કે ભારતના 74માં સ્વતંત્રતા દિવસ પર નિવૃત્તિની જાહેરાત કરી છે. ધોનીએ 15 ઓગસ્ટની જ કેમ પસંદગી કરી? ધોનીએ સ્વતંત્રતા દિવસે જ આટલી મોટી જાહેરાત કેમ કરી? આ સવાલનો જવાબ જાણવો આસાન છે. ધોનીએ પોતાના પ્રથમ પ્રેમના કારણે આમ કર્યું છે.
ધોની દિલથી એક એવો હિન્દુસ્તાની છે જે દરેક પ્રકારે પોતાના દેશની સેવા કરવા માંગે છે. ધોનીએ પોતાની કારકિર્દીમાં ઘણી વખત કહ્યું છે કે રાષ્ટ્ર સેવા તેનો પ્રથમ પ્રેમ છે અને કદાચ એટલા માટે તે ક્રિકેટ સિવાય ઇન્ડીયન આર્મી સાથે જોડાયેલો છે. ધોનીએ ઘણા પ્રસંગે સાબિત પણ કર્યું છે કે તેના માટે પરિવાર પહેલા દેશ છે.
2015માં ધોની ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો હતો. તે દરમિયાન તેની પત્ની સાક્ષી પ્રગ્નેટ હતી. આમ છતા ધોની વર્લ્ડ કપ રમવા ગયો હતો. વર્લ્ડ કપ દરમિયાન તે પિતા બન્યો હતો પણ ધોની પોતાના દેશ માટે ઘરે પરત ફર્યો ન હતો. મીડિયા સાથે વાત કરતા ધોનીએ કહ્યું હતું કે હાલના સમયે મારા માટે દેશ વધારે જરૂરી છે બાકી બધા રાહ જોઈ શકે છે.
ભારતને 2011માં વર્લ્ડ કપ જીતાડ્યા પછી ધોનીને તેની કારકિર્દીમાં સૌથી મોટું સન્માન મળ્યું. ધોનીને ઇન્ડિયન આર્મીએ લેફ્ટિનેન્ટ કર્નલના માનદ રેન્કથી નવાજ્યો હતો. ધોનીએ જણાવ્યું હતું કે તે ક્રિકેટર ના હોત તો સૈનિક હોત. ધોનીએ લેફ્ટિનેન્ટ કર્નલ બન્યા પછી પેટાટ્રૂપર ટ્રેનિંગ લીધી હતી. તે ગત વર્ષે કાશ્મીરમાં વિક્ટર ફોર્સ સાથે પણ જોડાયો હતો. 2018માં ધોનીએ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ધોની સેનાની વર્દીમાં આ સન્માન મેળવવા ગયો હતો.