દીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 થી માર્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ રમાશે. ભારતની મેચ હોય ત્યારે ધોનીનો પ્રશંસક અવશ્ય મેચ જોવા પહોંચી જાય છે. ધોનીનો આ પ્રશંસક શિયાળો હોય કે ઉનાળો દરેક મેચમાં ખુલ્લા શરીર પર માત્ર પેઇન્ટ કરીને પહોંચી જાય છે. આ પ્રશંસકની ટિકિટની વ્યવસ્થા મહેન્દ્રસિંહ ધોની કરે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં જ ધોનીના પ્રશંસક રામબાબુ આવી પહોંચ્યા છે. તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ 15 વર્ષથી ટીમ ઇન્ડિયાને ચીયર અપ કરે છે અને ધોની તેમનો ફેવરિટ ક્રિકેટર છે. જેને કારણે તેઓ દરેક મેચમાં ધોનીનું ટેટૂ અને આખા શરીર પર તિરંગો દોરાવીને આવે છે. તેમના હાથ પર પણ એમએસ ધોની લખેલું ટેટૂ જોવા મળે છે.
બાંગ્લાદેશમાં તબિયત ખરાબ થતાં ધોની સરે ફલાઇટમાં મોકલ્યો હતો - અમદાવાદ આવેલા રામબાબુએ ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે તેઓ હવે ટી 20 વખતે ફરી અમદાવાદ આવશે પરંતુ એ પહેલાં તેઓ પૂરી તૈયારી કરશે. ભારતમાં ક્યાંય પણ ટી-20ની મેચ હોય ત્યારે ખુદ મહેન્દ્ર સિંહ ધોની તેમને ટિકિટ આપે છે. બાંગ્લાદેશમાં જ્યારે રામબાબુની તબિયત ખરાબ થઈ હતી ત્યારે ખુદ ધોનીએ તેમની ચંદીગઢ જવાની વ્યવસ્થા કરી હતી.
રામબાબુ મૂળ પંજાબના છે અને દરેક મેચમાં વહેલી સવારે ઊઠીને તેઓ બોડી પર ખાસ પ્રકારનું પેઇન્ટિંગ કરાવે છે. જે માટે તેઓ 2 વાગે ઉઠે છે એટલું જ નહીં સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન શિયાળો હોય કે ઉનાળો સતત ખુલ્લા શરીરે તેઓ મેચ જોવા આવી રીતે જ આવે છે. ઉનાળામાં શરીર પર પેઇન્ટિંગ કરેલું હોવાથી તેમની ચામડીને પણ ઘણું નુકશાન પહોંચતું હોય છે છતાં તેઓ ટીમને ચીયર કરવા માટે આવે છે. રામબાબુનો ભારતીય ટીમને ચીયર કરવાનો જુસ્સો હંમેશા વધુને વધુ જ રહે છે.