

સિડની ટેસ્ટમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. હવે વરસાદ જ ઓસ્ટ્રેલિયાને પરાજયમાંથી બચાવી શકે છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 300 રનમાં ઓલઆઉટ થતા ફોલોઓન થયું હતું. જેમાં કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.


સિડનીમાં કુલદીપ યાદવે 99 રનમાં 5 વિકેટ ઝડપી હતી. તે ભારતનો પ્રથમ અને દુનિયાનો ફક્ત બીજો સ્પિનર છે જેણે ઓસ્ટ્રેલિયાની એક ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી છે. આ પહેલા ઇંગ્લેન્ડના ચાઇનામેન બોલર જોની વાર્ડલેએ 1955માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 79 રનમાં 5 વિકેટ ઝડપી હતી.


કુલદીપે પાંચ ટેસ્ટની કારકિર્દીમાં બીજી વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધારે વિકેટ ઝડપી છે. રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 119 રનમાં 6 વિકેટ ઝડપનાર આ બોલરે પ્રથમ વખત વિદેશમાં પાંચ વિકેટ ઝડપી છે.


કુલદીપ પહેલા અનિલ કુંબલે ચાર, બિશન સિંહ બેદી અને ભગવત ચંદ્રશેખર ત્રણ-ત્રણ વખત, જ્યારે ઇરાવલ્લી પ્રશન્નાએ બે અને શિવલાલ યાદવે એક વખત ઓસ્ટ્રેલિયામાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.


કુલદીપ ભારતનો એકમાત્ર એવો બોલર છે જેણે ક્રિકેટના બધા ફોર્મેટમાં એશિયાની બહાર ફાઇવ વિકેટ હોલનું પ્રદર્શન કર્યું છે. કુલદીપે વન-ડેમાં ઇંગ્લેન્ડ સામે નોટિંઘમમાં 25 રનમાં 6 વિકેટ ઝડપી હતી. જ્યારે ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં ટી-20માં 24 રનમાં 5 વિકેટ ઝડપી હતી.