

એક આર્મીમેન જેણે કારગિલ યુદ્ધમાં હિન્દુસ્તાન માટે પોતાના જીવની બાજી લગાવી હતી. એક ફૌજી જેના વિશ્વાસ સામે પાકિસ્તાને ઘૂંટણિયા ટેકવવા પડ્યા હતા. આજે આ શૂરવીરનો પુત્ર ભારતીય ક્રિકેટનો ઉભરતો સ્ટાર બની રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ધ્રુવ જુરેલની, જે અંડર 19 યૂથ એશિયા કપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવાનો છે. ધ્રુવ જુરેલને આગામી મહિને કોલંબોમાં રમાનાર અંડર-19 યૂથ એશિયા કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. ધ્રુવના પિતા નેમ સિંહ જુરેલ 1999માં કારગિલમાં યુદ્ધ લડી ચૂક્યા છે.


ધ્રુવ જુરેલ ધોનીની જેમ છે વિકેટકીપર બેટ્સમેન - ધ્રવ જુરેલ 18 વર્ષનો છે અને તેની અંદર ધોની જેવી ખાસિયત છે. ધ્રુવ પણ ધોનીની જેમ વિકેટકીપર છે અને ધોનીની જેમ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. મુશ્કેલ સ્થિતિમાં મેચને કેવી રીતે ફિનિશ કરવી તે પણ સારી રીતે જાણે છે. થોડા દિવસો પહેલા ઇંગ્લેન્ડમાં રમાયેલી અંડર-19 ટ્રાએંગુલર શ્રેણીમાં ધ્રુવે ફાઇનલમાં અણનમ અડધી સદી ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.


ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને 262 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતીય ટીમે લક્ષ્યાંકનો પીછો કરતા બે વિકેટ જલ્દી ગુમાવી દીધી હતી. આ પછી ધ્રુવે અણનમ 59 રન બનાવી ટીમને મેચ જીતાડી હતી.


આગ્રાનો રહેવાસી ધ્રુવ વિકેટ પાછળ ઘણો સ્ફૂર્તિલો છે. સાથે બેટ દ્વારા પણ શાનદાર પ્રદર્શન કરે છે. જે ઘણા ક્રિકેટ એક્સપર્ટને પસંદ પડે છે. તેની છાપ મુશ્કેલ પરિસ્થિતિમાં ધીરજથી બેટિંગ કરનાર ખેલાડીની છે.


પુત્રને ફૌજી બનાવવા માંગતા હતા પિતા - ધ્રુવના પિતા નેમ સિંહ જુરેલ પુત્રને ફૌજી બનાવવા માંગતા હતા. પિતા ઇચ્છતા હતા કે પુત્ર સ્કુલનો અભ્સાસ પુરો કર્યા પછી નેશનલ ડિફેન્સ એકેડમી જોઈન કરે. જોકે ધ્રુવે ક્રિકેટ પસંદ કરી હતી. આમ છતા તેના પિતા ધ્રુવના નિર્ણયથી નિરાશ નથી. નેમ સિંહનું માનવું છે કે મેં આર્મીમાં રહીને દેશ સેવા કરી છે અને પુત્ર ક્રિકેટ રમીને દેશનું માન વધારશે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા નેમ સિંહે કહ્યું હતું કે દેશ માટે યોગદાન આપવું જ સર્વસ્વ છે. મેં કારગિલ યુદ્ધમાં આર્મીની સેવા કરી છે અને મારો પુત્ર ક્રિકેટર બનીને દેશની સેવા કરી રહ્યો છે. આ ફિલ્ડ અલગ છે પણ ઉદ્દેશ્ય એક જ છે.