મુંબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ રમાઈ ગઈ છે. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને માત્ર 188 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. જવાબમાં વિકેટકીપર બેટર કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની જબરદસ્ત બેટિંગના આધારે 5 વિકેટ ગુમાવીને વિજયનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને આ સાથે ભારતનો પ્રથમ વનડે મેચમાં વિજય થયો હતો.
આ વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ પણ મોટા ફેરફારની આશા ઓછી છે. આવી સ્થિતિમાં 10 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર ગુજરાતી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટનું સપનું અત્યારે પૂરું થશે એવું જણાતું નથી. બાંગ્લાદેશના પ્રવાસ પર 12 વર્ષ બાદ ટેસ્ટમાં પસંદગી પામ્યા બાદ જયદેવને કોચ અને કેપ્ટન દ્વારા પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું જ્યાં તે એક મેચ રમ્યો હતો. -AP
છેલ્લે ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે 21 વર્ષની ઉંમરે ભારત માટે છેલ્લી ODI રમી હતી. વર્ષ 2013માં જ્યારે તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ત્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમનો કેપ્ટન હતો અને મોહમ્મદ શમી તેનો બોલિંગ પાર્ટનર હતો. તે મેચમાં જયદેવ ઉનડકટ 6 ઓવરમાં 39 રન આપીને એક પણ વિકેટ ખેરવી શક્યો નહોતો.
અત્યાર સુધી માં જયદેવ ઉનડકટે ભારત માટે 7 વનડે રમી છે, જેમાં તેની કુલ 8 વિકેટ છે અને 41 રનમાં 4 વિકેટ તેની ODI કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું છે. તેણે 2013માં હરારે વનડેમાં ઝિમ્બાબ્વે સામે આ કર્યું હતું. જુલાઈમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ બાદ ભારતમાં રમાયેલી શ્રેણી બાદ ટીમમાં તેનું સ્થાન નહોતું ટકી શક્યુ.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ODIમાં પ્લેઈંગ ઈલેવનમાં મુખ્ય બોલરોની વાત કરીએ તો, અનુભવી ફાસ્ટર મોહમ્મદ શમી, જે 2013માં ઉનડકટની છેલ્લી ODIમાં સાથે રમ્યો હતો, તે પણ અટેક બોલર તરીકે હશે. આ સિવાય મોહમ્મદ સિરાજ બીજા ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં હશે. હાલમાં તે વનડેમાં નંબર વન રેન્કિંગ બોલર છે. ત્રીજા બોલર તરીકે શાર્દુલ ઠાકુર પણ છે અને ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ફાસ્ટ બોલિંગનો સારો વિકલ્પ છે. તેથી જયદેવ માટે બીજી મેચમાં સ્પેશ્યલિસ્ટ ફાસ્ટ બોલર તરીકે રમવું ઘણું મુશ્કેલ છે.-AP