

નવી દિલ્હી : આઈપીએલ 2021ની હરાજી (IPL 2021 Auction)જોઈને બધા પ્રશંસકો અને ક્રિકેટ એક્સપર્ટ તે સમયે ચકિત રહી ગયા જ્યારે રાજસ્થાન રોયલ્સે એક એવા ક્રિકેટર પર 16.25 કરોડની રેકોર્ડતોડ કિંમત પર ખરીદ્યો જેને પોતાના દેશના પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન મળ્યું નથી. વાત કરી રહ્યા છીએ ક્રિસ મોરિસની. (Chris Morris)જેને આઈપીએલ-2021ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. ક્રિસ મોરિસ આઇપીએલના ઇતિહાસના સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.


મોરિસે યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો છે. યુવરાજને 2015માં દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યુવરાજ 2015ની સિઝનમાં સૌથી મોંઘા પ્લેયર તરીકે વેચાયો હતો. જોકે તે સિઝનમાં તે ખાસ કમાલ કરી શક્યો ન હતો. તેણે 14 મેચમાં 19ની એવરેજથી ફક્ત 248 રન બનાવ્યા હતા.


આઈપીએલના ઇતિહાસમાં ત્રીજો સૌથી મોંઘો ખેલાડી પેટ કમિન્સ છે. વિદેશી ખેલાડીઓમાં પેટ કમિન્સ આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. 2020ની હરાજીમાં તેને કોલકાતા નાઇટરાઇડર્સે 15.50 કરોડમાં ખરીદ્યો હતો. આ કિંમત ધોની અને રોહિત શર્માથી પચાસ લાખ વધુ હતી. કમિન્સનું આઈપીએલ 2020માં ખાસ પ્રદર્શન રહ્યું ન હતું. તે 14 મેચમાં 12 વિકેટ જ ઝડપી શક્યો હતો.


આઈપીએલના ઇતિહાસમાં ચોથો સૌથી મોંઘો ખેલાડી બેન સ્ટોક્સ છે. બેન સ્ટોક્સને આઇપીએલ-2017ની હરાજીમાં પૂણે સુપરજાયન્ટ્સે 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટોક્સ હાલમાં દુનિયાનો સૌથી વધુ વિસ્ફોટક ઓલરાઉન્ડર છે. હાલ તે રાજસ્થાન રોયલ્સની સાથે જોડાયેલો છે.


આઈપીએલના ઇતિહાસનો પાંચમો સૌથી મોંઘો ખેલાડી ગ્લેન મેક્સવેલ છે. જેણે આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14.25 કરોડની કિંમતમાં ખરીદ્યો છે. મેક્સવેલ 2014 પછી આઇપીએલમાં ફ્લોપ રહ્યો છે છતા ટીમો તેના પર દાવ લગાવી રહી છે. ગત સિઝનમાં મેક્સવેલે એકપણ સિક્સર ફટકારી ન હતી. તે 13 મેચમાં ફક્ત 108 રન બનાવી શક્યો હતો.