આઇપીએલની 12મી સિઝન માટેની હરાજીમાં એક એવા ખેલાડી પર પૈસાના વરસાદ થયો હતો. જેની કોઈએ આશા રાખી ન હતી. આ આશ્ચર્યકારક નામ વરુણ ચક્રવર્તી(Varun Chakravarthy)નું છે. તેને 8.40 કરોડ રુપિયામાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ખરીદ્યો હતો. વરુણની બેઝ પ્રાઇસ ફક્ત 20 લાખ રુપિયા હતી. આમ તે 42 ગણા વધારે પૈસા મળ્યા છે.
વરુણ ચક્રવર્તી ઇન્ટરનેશનલ લેવલ પર ભલે અજાણ્યો ખેલાડી હોય પણ ઘરેલું ક્રિકેટમાં પોતાની ટીમ તામિલનાડુ તરફથી ઘણી વખત ચમત્કારિક પ્રદર્શન કર્યું છે. તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) દરમિયાન તેનું નામ પ્રથમ વખત સામે આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તેમે ટોપના બેટ્સમેનોને આઉટ કર્યા હતા. TNPL પછી વિજય હઝારે ટ્રોફીમાં આ મિસ્ટ્રી બોલરને તક મળી હતી. જેમાં 9 મેચમાં 22 વિકેટ ઝડપી સનસની મચાવી હતી.
આર્કિટેક્ચરનો કોર્સ પણ ક્રિકેટ રમવાનું યથાવત્ - રસપ્રદ વાત એ છે કે 13 વર્ષની ઉંમરમાં તેણે ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. તે શરુઆતમાં વિકેટકિપર બેટ્સમેન હતો. વરુણે ચેન્નાઈની એસઆરએમ વિશ્વવિદ્યાલયમાંથી આર્કિટેક્ચરની ડિગ્રી પુરી કરી હતી. આ પછી ફ્રિલાન્સ કામ ચાલું રાખ્યું હતું. આ સમયે ટેનિસ બોલ ક્રિકેટ પણ ચાલું રાખ્યું હતું. એકસમયે તેની જોબ પર ક્રિકેટ ભારે પડી હતી અને જોબ છોડી દીધી હતી.