

નવી દિલ્હી : આગામી મહિને આઈપીએલ-14ના (IPL 2021) મિની હરાજી (IPL 2021 Auction) પહેલા રાજસ્થાન રોયલ્સે પોતાના સ્ટાર કેપ્ટન ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથને (steve smith) રિલીઝ કરી દીધો છે. એએનઆઈના રિપોર્ટ પ્રમાણે ઘણી ચર્ચા કર્યા પછી ફ્રેન્ચાઇઝીએ આ નિર્ણય કર્યો છે. એએનઆઈ સાથે વાત કરતા સૂત્રએ આ વાતની પૃષ્ટિ કરી છે અને કહ્યું કે બીસીસીઆઈને લિસ્ટ મોકલ્યા પહેલા અંતિમ દિવસે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રોના મતે આઈપીએલની હરાજી 16 ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે.


સ્મિથે 2014, 2015, 2019 અને 2020માં રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગત સિઝનમાં રાજસ્થાનની ટીમ સૌથી નીચેના ક્રમે રહી હતી. આ જ કારણે સ્મિથને રિલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


પૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપડાએ પહેલા આવા સંકેત પણ આપ્યા હતા. તેણે કહ્યું હતું કે પૂર્વ ચેમ્પિયન રાજસ્થાને નવા કેપ્ટનનાં નેતૃત્વમાં ટૂર્નામેન્ટમાં આવવું જોઈએ. સ્મિથની કેપ્ટનશિપમાં ગત સિઝનમાં રાજસ્થાનનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની વાપસી પછી ટીમ શાનદાર નજર આવી હતી. જોકે આમ છતા તે છેલ્લા ક્રમાંકે રહી હતી.