નીતિન ગોહેલ, ભાવનગર : આઈપીએલની હરાજીમાં (IPL 2021 Auction)સૌરાષ્ટ્રના ભાવનગરના વરતેજ ગામના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને (Chetan Sakaria)રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારના ચેતનને બાળપણથી ક્રિકેટનો જબરો શોખ હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું હતું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL હરાજીમાં 1.2 કરોડમાં વેચાતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી 12 વિકેટ ઝડપી હતી. ચેતન સાકરિયાએ તાજેતરમાં જ પોતાની ક્રિકેટ જર્ની વિશે વાત કરી હતી.
ચેતન સાકરિયાએ કહ્યું હતું, મેં 13-14 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું મારા પપ્પા (કાન્જીભાઈ) ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી (વર્ષાબેન) હાઉસ વાઈફ છે. હું નાનપણથી ભણવામાં સારો હતો અને ફેમિલી ઇચ્છતું હતું કે હું ભણું અને આગળ જઈને અધિકારી બનું. હું 12 સાયન્સ પાસ છું પણ એ પછી આગળ ભણી શક્યો નથી.
ચેતને કહ્યું હતું કે યુવરાજસિંહ મારો ફેવરિટ પ્લેયર છે અને હું તેમને આઈડલાઈઝ કરું છું. જોકે હું ફાસ્ટ બોલર બન્યો એ પાછળની સ્ટોરી અલગ છે. 2010માં પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી ત્યારે જુનૈદ ખાને બહુ સારી બોલિંગ કરી હતી. તેણે વિરાટ કોહલી સહિત આપણા ઘણા સ્ટાર્સને બોલ્ડ કર્યા હતા. ત્યારે હું એ બોલિંગથી ઘણો પ્રભાવિત થયો અને તેની એક્શનને કોપી કરતાં ફાસ્ટ બોલર બની ગયો. તેની એક્શન કોપી કરવા ગયો અને એમાં મારી પોતાની એક એક્શન બની ગઈ. હું સ્કૂલમાં હતો ત્યારે ઘરે કોઈને કહ્યા વગર ક્રિકેટ રમવા જતો રહેતો હતો. તે સમયે મારા પર પરિવારના લોકો ઘણા ગુસ્સે થતા હતા. મેં માર પણ ઘણો ખાધો છે. મેં ડિસ્ટ્રિકટ મેચ માટે બોર્ડની એક્ઝામ પણ સ્કિપ કરી હતી અને ડ્રોપ આઉટ કર્યું હતું. જોકે એ સમયે પ્રદર્શન એટલું સારું ન હતું કે સ્ટેટ ટીમમાં સિલેક્ટ થાઉં. ભવસિંહજી ક્રિકેટ ક્લબે મારી ફી માફ કરી હતી, એ હું ક્યારેય ભૂલીશ નહીં.
MRF એકેડમીમાં મેક્ગ્રા હેઠળ ટ્રેનિંગ કરી - ચેતને કહ્યું હતું કે ચેન્નઈ ખાતે આવેલી MRF એકેડમીમાં મેં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રા હેઠળ ટ્રેનિંગ કરી હતી. તેઓ મારી પેસ અને સ્વિંગથી પ્રભાવિત થયા હતા અને મને શિખવાડ્યું હતું કે હું કઈ રીતે સતત 130ની ઝડપ જાળવી બોલ સ્વિંગ કરવો." ચેતન સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મેન ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. તેણે લીગની 5 મેચમાં 12 વિકેટ લીધી હતી. એક મેચમાં 7 રન ડિફેન્ડ કરતાં તેણે હેટ્રિક લઈને પોતાની ટીમને જિતાડી હતી.
IPL 2020માં RCB સાથે નેટ બોલર તરીકે રહ્યો - ચેતન કહ્યું હતું કે, RCBએ મને નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાવવાની ઓફર કરી હતી. અમે નેટ બોલર્સને જોડે લઈ જશું અને સિઝન દરમિયાન કોઈને ઇજા થાય તો રિપ્લેસ કરીશું. મેં હા પાડી અને મારો RCB સાથે નેટ બોલર તરીકે કોન્ટ્રેકટ થયો. 2.5 મહિના દુબઈમાં રહ્યો, ત્યાં ઘણુંબધું શીખવા મળ્યું. ડેલ સ્ટેઇન સાથે સારો સમય પસાર કર્યો. સાઈમન કેટિચે પણ મને મદદ કરી. જ્યારે તમે વિરાટ કોહલી કે એબી ડિવિલિયર્સને બોલિંગ કરો તો અંદરથી કોન્ફિડન્સ આવે છે કે તું આ સ્ટેજ પર બિલોન્ગ કરે છે. સૈયદ મુસ્તાક અલીમાં સફળતા મળી એનું કારણ જ એ છે કે મેં RCB સાથે સમય પસાર કર્યો અને એ દરમિયાન ઘણું બધું શીખ્યો હતો.