

નવી દિલ્હી : આઈપીએલમાં (IPL 2020) રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન (RCB)વિરાટ કોહલી (Virat Kohli)ની શરૂઆતી સફર ઘણી ખરાબ રહી હતી. શરૂઆતની ત્રણ મેચમાં ફક્ત 18 રન બનાવ્યા હતા. આ પછી રાજસ્થાન રોયલ્સ સામે તે 53 બોલમાં અણનમ 72 રન બનાવી ફોર્મમાં પરત ફર્યો હતો. આ પછી સોમવારે દિલ્હી સામે 39 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે ટી-20 ક્રિકેટમાં 9 હજાર રન પુરા કરવાની સિદ્ધિ મેળવી છે.


આઈપીએલમાં અત્યાર સુધી 181 મેચમાં 37.68ની એવરેજથી 131.18ની સ્ટ્રાઇક રેટથી 5502 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 37 અડધી સદી સામેલ છે. વિરાટે આઈપીએલમાં અત્યાર સુધી 487 ફોર અને 192 સિક્સર ફટકારી છે. વિરાટ આઈપીએલનો લીડિંગ રન સ્કોરર છે.


આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી દિલ્હી સામેની મેચમાં 10 રન બનાવવાની સાથે જ ટી-20 ક્રિકેટમાં 9000 રન પુરા કરી લીધા છે. તે આ માઇલસ્ટોન મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. કોહલી ટી-20 ક્રિકેટમાં 9000 રન પુરા કરનાર વર્લ્ડનો સાતમો બેટ્સમેન બની ગયો છે.


વિરાટ કોહલી પહેલા ક્રિસ ગેઈલ (13296), કિરોન પોલાર્ડ (10345), શોએબ મલિક (9926), બ્રેન્ડન મેક્કુલમ (9922), ડેવિડ વોર્નર (9451) અને એરોન ફિન્ચ (9148) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. આ મેચ પહેલા ટી-20માં વિરાટ કોહલીએ 270 ઇનિંગ્સમાં 41.05ની એવરેજ અને 134.2ની સ્ટ્રાઇક રેટથી 8990 રન બનાવ્યા હતા. આ દરમિયાન પાંચ સદી અને 65 અડધી સદી ફટકારી છે.