

નવી દિલ્હી : આઈપીએલની 13મી (IPL 2020) સિઝન માટે બધી ટીમો યૂએઈ પહોંચી ચુકી છે. જોકે હજુ સુધી આઇપીએલ 2020નો કાર્યક્રમ જાહેર થયો નથી. ટીમ, પ્રશંસકો બધા કાર્યક્રમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ધ હિન્દુના એક રિપોર્ટ પ્રમાણે કાર્યક્રમમાં મોડું થવાનું કારણ અબુધાબીની ઉપલબ્ધતા કારણભૂત છે. આઈપીએલના આયોજન સ્થળમાં અબુધાબી એક છે પણ હવે કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે તેની ઉપલબ્ધતાને લઈને ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે. આ જ કારણ છે કે બીસીસીઆઈને (BCCI)આઈપીએલનો કાર્યક્રમ જાહેર થવામાં મોડુ થઈ રહ્યું છે. અબુધાબીની ક્ષેત્રીય ઓથોરિટીએ પ્રવેશ પોઇન્ટ પર રેપિડ ટેસ્ટને ફરિજયાત કરી દીધો છે.


તેનો મતબલ એ છે કે અબુધાબીથી બહાર વાળી ટીમો, બ્રોડકાસ્ટર દળ અને અન્ય અધિકારીઓનો વધારાનો ખર્ચ વધી જશે અને હવે બીસીસીઆઈ તેનો ઉકેલ કાઢવા પર વિચાર કરી રહી છે. એવા સમાચાર છે કે બોર્ડ હવે અબુધાબીમાં મેચોની સંખ્યા ઓછી કરી શકે છે.


એક સૂત્રના મતે અબુધાબી પહેલા હાફમાં કેટલીક મેચોની યજમાની કરી શકે છે. હાલના સમયે આઠમાંથી છ ટીમો દુબઈમાં છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ અબુધાબીમાં છે. રાજસ્થાન રોયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ ટીમો ગુરુવારથી શારજાહ અને આઈસીસી એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી શકે છે. કેટલાક દિવસો પહેલા આઈપીએલના ચેરમેન બૃજેશ પટેલે ઇનસાઇડ સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે કાર્યક્રમ જાહેર થવામાં મોડું થઈ રહ્યું છે. સપ્તાહ ખતમ થયા પહેલા કાર્યક્રમ જાહેર કરી દેવાશે.