

નવી દિલ્હી : આઈપીએલમાં (IPL 2020) ચેન્નઈ સુપરકિંગ્સનો (Chennai Super Kings) સૌથી સફળ ટીમમાં સમાવેશ થાય છે. ત્રણ વખત ટાઇટલ પોતાના નામે કરનારી ચેન્નઈની ટીમે બે સિઝનની બાદ કરતા દર વખતે સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચેન્નઈની ટીમ પ્રતિબંધના કારણે 2016 અને 2017માં ભાગ લઈ શકી ન હતી. ટીમની આ સફળતાનો શ્રેય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને (Mahendra Singh Dhoni)જાય છે. ધોની 2008થી જ ટીમનો જ કેપ્ટન છે. જોકે પૂર્વ ક્રિકેટર એસ બદ્રીનાથે (S Badrinath)એ કહીને બધાને ચોંકાવી દીધા છે કે કેપ્ટન માટે ધોની ટીમની પ્રથમ પસંદગી ન હતો.


પોતાની યૂટ્યુબ ચેનલ પર વાત કરતા બદ્રીનાથે કહ્યું કે ટીમ વીરેન્દ્ર સેહવાગને કેપ્ટન તરીકે ઇચ્છતી હતી પણ સેહવાગે દિલ્હીની ટીમ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો જે તેની ઘરેલું ટીમ હતી. બદ્રીનાથે કહ્યું કે આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી ત્યારે સીએસકે કેપ્ટન તરીકે સેહવાગને ઇચ્છતી હતી. સેહવાગે કહ્યું હતું કે તે દિલ્હીમાં મોટો થયો છે અને તેનો આ સ્થાન સાથે ખાસ લગાવ છે. ટીમે તેના નિર્ણયનું સન્માન કર્યું હતું. આ પછી તેણે વિચાર્યું કે કેપ્ટન તરીકે કોણ સારો વિકલ્પ હશે. ધોનીએ એક વર્ષ પહેલા જ ભારતીય ટીમને ટી-20 વર્લ્ડ કપ અપાવ્યો હતો અને તે સીએસકે સાથે જોડાયો હતો.


ધોની 2008ની આઈપીએલમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ચેન્નઈને તેને છ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ધોની ટીમમાં કેપ્ટનશિપ સિવાય વિકેટકીપર અને ફિનિશરની ભૂમિકા પણ ભજવે છે. ચેન્નઈને એક ખેલાડીમાં ત્રણ રોલ ભજવનાર ખેલાડી મળી ગયો હતો. ધોની આજે ચેન્નઈની ઓળખ છે.