

નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સની ટીમ (Delhi Capitals)પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. રવિવારે દિલ્હીએ આઈપીએલની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે 17 રને વિજય મેળવ્યો છે. હવે ફાઇનલમાં દિલ્હીનો મુકાબલો ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)સામે 10 નવેમ્બરે થશે. છેલ્લી 6 મેચમાંથી દિલ્હીનો મુંબઈ સામે ફક્ત એક મેચમાં વિજય થયો છે. જેથી દિલ્હી સામે મુશ્કેલ છે. જોકે દિલ્હી પાસે ચાર ખેલાડીઓ એવા છે જે દિલ્હીની ટીમને ચેમ્પિયન બનાવી શકે છે.


શિખર ધવનની ધમાલ - આ વખતે દિલ્હી તરફથી શિખર ધવને હંમેશા મોરચો સંભાળી રાખ્યો છે. પોતાના અનુભવ પ્રમાણે મોટી ટીમ સામે શાનદાર ઇનિંગ્સ રમી છે. હૈદરાબાદ સામે ક્વોલિફાયરમાં તેણે 78 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. ધવન આ વખતે આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનારની યાદીમાં બીજા સ્થાને છે. ફાઇનલમાં ધવનનો અનુભવ દિલ્હીને કામ આવી શકે છે. તેણે 2016માં હૈદરાબાદને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


માર્કસ સ્ટોઇનિસ - માર્કસ સ્ટોઇનિસ કોઈ આંધીની જેમ ઓપનિંગ મોરચા પર પહોંચ્યો છે. હૈદરાબાદ સામે ધમાકેદાર ઇનિંગ્સ રમીને તેણે દિલ્હીની ઓપનિંગ માટે બધી મુશ્કેલી દૂર કરી દીધી છે. તે બોલ અને બેટિંગ બંને સાથે ધમાલ મચાવી રહ્યો છે. સનરાઇઝર્સ સામે તેણે 27 બોલમાં 38 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય 26 રનમાં 3 વિકેટ ઝડપી હતી. ફાઇનલમાં પણ તેની પાસેથી મોટી ઇનિંગ્સની આશા રહેશે.


કાગિસો રબાડા - બોલિંગમાં રબાડા કહેર મચાવી રહ્યો છે. તેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 29 વિકેટ ઝડપી છે. તે દર 13માં બોલે વિકેટ ઝડપી રહ્યો છે. ગત વર્ષે તેણે 25 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદ સામે ક્વોલિફાયર મેચમાં 4 વિકેટ ઝડપી હતી. આ પહેલા મુંબઈ ઇન્ડિયન્સ સામે સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનની વિકેટ ઝડપી હતી.