

નવી દિલ્હી : ચેન્નઈ સુપરકિંગ્સ ( Chennai Super Kings) પોતાના બે જુના દિગ્ગજો સુરેશ રૈના (Suresh Raina)અને હરભજન સિંહને (Harbhajan Singh)ટીમમાંથી હટાવવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે CSK આ બંને ખેલાડીઓના કોન્ટ્રાક્ટ ખતમ કરવાની તૈયારીમાં છે. આ બંને ખેલાડીઓએ અંગત કારણોસર આઈપીએલમાંથી હટવાનો નિર્ણય કર્યો હતો.


સ્પોર્ટ્સની વેબસાઇટ ઇંસાઇડસ્પોર્ટના મતે ચેન્નઈ સુપરકિંગ્સે આ બંને ખેલાડીઓને ટીમમાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સીએસકેએ આ પહેલા જ બંનેના નામ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પરથી હટાવી દીધા છે. થોડાક દિવસો પહેલા રૈનાની વાપસીને લઈને CSKના સીઇઓ કાશી વિશ્વનાથને કહ્યું હતું કે રૈનાની વાપસી મુશ્કેલ લાગી રહી છે. હાલના સમયે તેમની ટીમ રૈનાને પાછો લાવવા પર વિચાર કરી શકતી નથી. તે પોતે જ પરત ફર્યો હતો. આવા સમયે ટીમ તેના નિર્ણયનું સન્માન કરે છે. આ પછી રૈનાએ CSKને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર અનફોલો કરી દીધું હતું.


રૈનાને સીએસકે તરફથી આ સિઝનમાં રમવા માટે 11 કરોડ રૂપિયા અને ભજ્જીને 2 કરોડ રૂપિયા મળવાના હતા. જોકે હવે બંનેને આ સિઝનમાં ફ્રેન્ચાઇઝી ટીમ તરફથી કોઈ પૈસા મળશે નહીં. રૈનાને સીએસકેએ 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. જ્યારે ભજ્જીને 2018ની હરાજીમાં 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.