આઈપીએલ 2019ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 1 રને પરાજય પછી ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું એક નિવેદન ચર્ચા ઉભી કરી રહ્યું છે. ફાઇનલમાં ધોનીએ એવોર્ડ સેરેમનીમાં પોતાના ભવિષ્ય વિશે વાત કરી હતી અને આ દરમિયાન તેના એક નિવેદને અટકળોનું બજાર ગરમ કરી દીધું છે. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ધોનીને પુછ્યું હતું કે શું તે આગામી આઈપીએલ સિઝનમાં જોવા મળશે? આ મુદ્દે ધોનીએ કહ્યું હતું કે હા, એવી આશા કરું છું. ધોનીના આ જવાબે આઈપીએલમાં તેના ભવિષ્યને સસ્પેન્સ બનાવી દીધું છે.
ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન ધોનીએ આગળ કહ્યું હતું કે હાલ આગામી વર્ષે વિશે કહેવું ખોટું ગણાશે. આગામી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ છે જે પ્રાથમિકતા છે. આ પછી અમે ચેન્નાઈ સુપરકિંગ્સ વિશે વાત કરીશું. આશા છે કે આગામી વર્ષે મળીશું. માંજરેકરે બાદમાં ટ્વિટ કરીને બતાવ્યું હતું કે મેચ પછી વાત કરતા સમયે ધોની ઘણો તુટેલો જોવા મળતો હતો. મેચ પછી વાત કરતા સમયે મારું દિલ ધોની માટે રડી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે કે તેનું દિલ તુટી ગયું છે. તેને આ પહેલા ક્યારેય આવી રીતે જોયો નથી.
આઈપીએલમાં આઠ વખત ફાઇનલમાં ચેન્નાઈને લઈ જનાર ધોની આ સિઝનમાં ટીમની રમતથી સંતુષ્ઠ જોવા મળ્યો ન હતો. ધોનીએ કહ્યું હતું કે આ સત્ર સારું રહ્યું પણ અમારે પોતાના પ્રદર્શનનું આંકલન કરવું પડશે. અમે ઘણું સારું પ્રદર્શન કર્યું નથી. મિડલ ઓર્ડર ચાલ્યું જ નથી પણ અમે જેવી તેવી રીતે અહીં સુધી પહોંચી ગયા. અમારા બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બોલરોએ અમને દોડમાં બનાવી રાખ્યા હતા. બેટિંગમાં દરેક મેચમાં કોઈ એક ચાલ્યું અને અમે જીતતા રહ્યા. આગામી વર્ષે સતત સારું રમવા માટે અમારે ઘણી મહેનત કરવી પડશે.
ધોનીના સાથે સુરેશ રૈનાએ થોડા દિવસો પહેલા નિવેદન કર્યું હતું કે આગામી વર્ષે તે ચેન્નાઈના કેપ્ટન તરીકે વધારે જોવા મળી શકે છે. છેલ્લા બે વર્ષમાં ધોનીએ બેટ્સમેન અને ટીમ મેન્ટોરના રુપમાં સારું કામ કર્યું છે. જેથી બની શકે કે આગામી વર્ષે તમે મને કેપ્ટનના રુપમાં વધારે જોઈ શકો. રૈનાનું આ નિવેદન ધોનીના આઈપીએલ ભવિષ્ય તરફ ઇશારો કરે છે. આ પછી સંકેત ગયો હતો કે આગામી સિઝનમાં ધોની એક્ટિવ ખેલાડી તરીકે ભાગ્યે જ જોવા મળશે.