

કોલકાતા : વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરેલું વન-ડે અને ટી-20 શ્રેણી માટે ગુરુવારે ભારતીય ટીમની પસંદગી (Indian Cricket Team Selection) થવાની છે. કોલકાતામાં થનારી આ બેઠકમાં વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Shamra)ને આરામ આપવા, શિખર ધવનના ફોર્મ અને વિકેટકીપર ઋષભ પંતના પ્રદર્શન ઉપર ચર્ચા થઈ શકે છે. એમએસકે પ્રસાદની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની આ અંતિમ બેઠક રહેશે કારણે પ્રસાદનો અને સેન્ટ્રલ ઝોનના પસંદગીકર્તા ગગના ખોડાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.


ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ ટી-20 મેચ રમશે. જે મુંબઈ (6 ડિસેમ્બર), તિરુવનંતપુરમ (8 ડિસેમ્બર) અને હૈદરાબાદ (11 ડિસેમ્બર) માં રમાશે. ત્રણ વન-ડે ચેન્નાઈ(15 ડિસેમ્બર), વિશાખાપટ્ટનમ (18 ડિસેમ્બર) અને કટક (22 ડિસેમ્બર)માં રમાશે.


પસંદગીકર્તાની બેઠકમાં ઓપનિંગ બૅટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan)ના ફોર્મ ઉપર પણ ચર્ચા થશે. જે વર્લ્ડ કપમાં ઇજાના કારણે બહાર થયા પછી ફોર્મમાં નથી. ટેસ્ટ ક્રિકેટમાં મયંક અગ્રવાલનું શાનદાર ફોર્મ અને લિસ્ટ-એ માં 50થી વધારે એવરેજના કારણે તેનો ત્રીજા ઓપનર તરીકે સમાવેશ કરવામાં આવી શકે છે. ધવને બાંગ્લાદેશ સામે ત્રણ ટી-20 મેચમાં 41, 31 અને 19 રન બનાવ્યા હતા.


ઋષભ પંત (Rishabh Pant)નું સતત ખરાબ ફોર્મ પણ ઉપર પણ પસંદગીકારો વચ્ચે વાતચીત થવાની સંભાવના છે. પંતનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે અને આવા સમયે સંજુ સેમસનને શ્રેણીમાં વિકેટકીપર તરીકે તક આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની અને ભુવનેશ્વર કુમાર ઇજાથી ઝઝુમી રહ્યા છે. જેથી શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર ટીમમાં રહેશે તે નક્કી છે.


ટી-20માં વોશિંગ્ટન સુંદરનું સ્થાન નક્કી માનવામાં આવે છે પણ ક્રુણાલ પંડ્યા પર ખતરાના વાદળો છે. યુજવેન્દ્ર ચહલનું રમવું નિશ્ચિત માનવામાં આવે છે. આશા છે કે જાડેજા પણ આ શ્રેણીમાં રમશે.