ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને ઈતિહાસ રચ્યો છે ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ પણ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મેચની ચોથી ઇનિંગમાં 399 રનનો ટાર્ગેટ લઈને ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 261 રન પર આઉટ થઈને મેચ ગુમાવી બેઠી, જે તેની બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતની વિરુદ્ધ પહેલી હાર છે. અત્યાર સુધી 1985થી બંને ટીમોની વચ્ચ આઠ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે એક તો ઓસ્ટ્રેલિયાએ પાંચ જીતી છે જ્યારે એક મેચ ડ્રો રહી છે.
ભારતીય ટીમે પહેલીવાર સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં 2004માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં પોતાની બંને ઇનિંગ (પહેલી 705/7 અને બીજી 211/2) ડિક્લેર કરી હતી અને મેચ ડ્રો રહી હતી. જ્યારે 2007માં આવું બીજી વાર થયું હતું જ્યારે કેપ્ટન રાહુલ દ્રવિડે બાંગ્લાદેશની વિરુદ્ધ ચટગાંવમાં પહેલી ઇનિંગ (387/8) અને બીજી ઇનિંગ (100/6) ડિક્લેર કરી હતી અને આ પણ ટેસ્ટ ડ્રો રહી હતી.