

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાયેલી બીજી ટી-20 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. આ મેચ રદ થતા જ ભારતે શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી છે. જોકે આ સાથે ભારતને એક ફાયદો થયો છે. ભારતની આઈસીસી રેન્કિંગમાં બીજો ક્રમાંક સુરક્ષિત થઈ ગયો છે.


જો બીજી ટીમ ઇન્ડિયાનો આ મેચમાં પરાજય થયો હોત તો રેન્કિંગ ઉપર અસર પડી હોત પણ મેચ રદ થતા હવે ટીમ ઇન્ડિયાને રેન્કિંગને કોઈ ખતરો નથી.


હાલના સમયે ટીમ ઇન્ડિયા ટી-20 રેન્કિંગમાં 125 પોઇન્ટ સાથે બીજા નંબરે છે અને ઓસ્ટ્રેલિયા 120 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો ઓસ્ટ્રેલિયા ટીમ ઇન્ડિયાને ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી હરાવી દેત તો ઓસ્ટ્રેલિયા ભારતને પછાડી બીજા ક્રમાંકે આવી જાત.


બીજી મેચ વરસાદના કારણે રદ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયા ત્રીજી ટી-20માં વિજય મેળવશે તો પણ ભારતનું નંબર-2નું સ્થાન યથાવત્ રહેશે.


ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 7 વિકેટે 132 રન બનાવ્યા હતા ત્યારે વરસાદ પડ્યો હતો. આ પછી વરસાદના કારણે મેચ આગળ વધી શકી ન હતી. બંને વચ્ચે ત્રીજી ટી-20 મેચ 25 નવેમ્બરે રમાશે.