ટીમ ઇન્ડિયાનો ત્રીજી વન-ડેમાં 43 રને પરાજય થયો હતો. જોકે વિરાટ કોહલીએ ફરી એક વખત બધાનું દિલ જીતી લીધું હતું. કોહલીએ પોતાની વન-ડે કારકિર્દીની 38મી સદી ફટકારીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. કોહલી જે રીતે બેટિંગ કરીને અવનવા રેકોર્ડ કરી રહ્યો છે તે જોતા લાગે છે કે આવનાર સમયમાં મોટાભાગના ક્રિકેટના રેકોર્ડ તેના નામે હશે.
કોહલીએ વન-ડેમાં સતત ત્રીજી સદી ફટકારી હતી. સતત ત્રણ સદી ફટકારનાર તે ભારતનો પ્રથમ અને દુનિયાનો 10મો બેટ્સમેન બન્યો છે. કુમાર સંગાકારા દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે જે સતત ચાર સદી ફટકારી ચૂક્યો છે. તેણે આ સિદ્ધિ 2015માં મેળવી હતી. હવે જોવું રસપ્રદ રહેશે કે કોહલી સંગાકારાના આ રેકોર્ડની બરાબરી કરી શકે છે નહીં.
કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 62મી સદી છે. આ સાથે તે સૌથી વધારે સદી ફટકારવાના મામલે જેક કાલિસની બરાબરી કરી લીધી છે. આમ તે સદી ફટકારવાના મામલે ચોથા નંબરે પહોંચી ગયો છે. તેની આગળ કુમાર સંગાકાર (63 સદી), રિકી પોન્ટિંગ (71 સદી) અને સચિન તેંડુલકર (100 સદી) જ છે. કોહલીઆ આ સિદ્ધિ ફક્ત 349 ઇનિંગ્સમાં મેળવી છે. જ્યારે બીજા બેટ્સમેનોએ 500થી વધારે ઇનિંગ્સ રમી છે.