ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ 4 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સના મેદાનમાં રમશે. વેસ્ટ ઇન્ડીઝને ટેસ્ટ અને વન-ડેમાં હરાવ્યા પછી ટીમ ઇન્ડિયા ટી-20માં પણ તેને હરાવવા માંગશે. આ શ્રેણીમાં વિરાટ કોહલી અને એમએસ ધોની રમી રહ્યા નથી. જેથી કાર્યભાર સુકાની તરીકે રોહિત શર્મા પર વધારે જવાબદારી છે. આ મેચમાં રોહિત શર્માના નિશાને ઘણા રેકોર્ડ હશે.
હાલ વન-ડેમાં સિક્સર ફટકારવાના મામલે નંબર-1 ચાલી રહેલો રોહિત શર્મા ટી-20માં પણ આ રેકોર્ડ પોતાના નામે કરવા માંગશે. આ વર્ષે કોલિન મુનરો 35 સિક્સર સાથે ટોચના સ્થાને છે. જ્યારે રોહિત શર્મા 22 સિક્સર સાથે ચોથા નંબરે છે. ત્રીજા સ્થાને રહેલા માર્ટિન ગુપ્ટિલના નામે 24 સિક્સરો છે. રોહિત હજુ આ વર્ષે છ ટી-20 મેચ રમવાનો છે તો તે નંબર-વનના સ્થાને આવી શકે છે.