

ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં 9 રન બનાવતા જ વિરાટ કોહલીએ એક ખાસ સિદ્ધિ મેળવી લીધી છે. તે ભારત તરફથી 6000થી વધારે ટેસ્ટ રન બનાવનાર 10મો બેટ્સમેન બન્યો છે.


વિરાટ કોહલીએ 6000 રન 119 ઇનિંગ્સમાં પુરા કર્યા છે. આ ભારત તરફથી બીજા સૌથી ઝડપી રન છે. વિરાટ કોહલીએ 70 ટેસ્ટમાં 23 સદી ફટકારી છે.


ભારત તરફથી સૌથી ઝડપી 6000 રન બનાવવાનો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે. તેણે 117 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ગાવસ્કરે 125 ટેસ્ટમાં 10122 ન બનાવ્યા છે. તે 10 હજાર રન બનાવનાર પ્રથમ ક્રિકેટર હતા.


200 ટેસ્ટ મેચમાં 51 સદીની મદદથી દુનિયામાં સૌથી વધારે 15921 રન બનાવનાર સચિન તેંડુલકરે 6000 રન 120 ઇનિંગ્સમાં પુરા કર્યા હતા.


વીરેન્દ્ર સેહવાગે આવો રેકોર્ડ 123 ઇનિંગ્સમાં પોતાના નામે કર્યો હતો. સહેવાગ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં બે વખત 300 પ્લસની ઇનિંગસ રમનાર એકમાત્ર બેટ્સમેન છે. સહેવાગે 103 ટેસ્ટ મેચમાં 8503 રન બનાવ્યા છે.


રાહુલ દ્રવિડે 125 ઇનિંગ્સમાં 6000 ટેસ્ટ રન પુરા કર્યા હતા. તેણે 163 ટેસ્ટમાં 36 સદીની મદદથી 13625 રન બનાવ્યા છે. જે સચિન પછી સર્વાધિક છે.