

ચેન્નઈ : ભારત સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા ઉતરેલા ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને તેની ટીમના સાથી બેન સ્ટોક્સે ખાસ કેપ આપી હતી. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ખાતે મેચ શરૂ થતાં પહેલાં આ કેપ આપવામાં આવી હતી. તેને ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય પસંદગીકાર એડ સ્મિથે પણ ખાસ કેપ આપી હતી. જો રુટે 2012-13ની ટૂરમાં ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે 2016માં વિશાખાપટ્ટનમમાં ભારત સામે 50મી ટેસ્ટ રમી હતી. ભારત સામે 100મી ટેસ્ટ રમનારા જો રૂટે કેટલાક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જો રૂટે આ ટેસ્ટ પહેલા 19 સદી અને 49 અડધી સદી સહિત 8249 રન બનાવ્યા છે. 100મી ટેસ્ટ રમનાર જો રુટ એવા લિસ્ટમાં શામેલ થયો છે, જે પોતાની પહેલી અને 100મી ટેસ્ટ વિદેશી ધરતી પર રમ્યો છે. (તસવીર - BCCI)


રુટે બનાવ્યો એક વિશેષ વર્લ્ડ રેકોર્ડ - જો રુટે તેની 100મી ટેસ્ટમાં વિશેષ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તે વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે કે જેણે તે જ વિદેશી (ભારત) ધરતી પર પોતાની પહેલી, 50મી અને 100મી ટેસ્ટ રમી છે. રુટે ભારત સામે નાગપુરમાં વર્ષ 2012માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું, જેમાં તેણે 73 રનની ઇનિંગ્સ રમી હતી. જે બાદ તેણે 2016માં વિશાખાપટ્ટનમમાં ભારત સામે 50મી ટેસ્ટ રમી હતી. હવે તે ભારતમાં તેની 100મી ટેસ્ટ (ચેન્નઈ)માં રમી રહ્યો છે.


પ્રથમ અને 100મી ટેસ્ટ એક જ વિદેશી ધરતી પર રમનારા ક્રિકેટરોમાં કપિલ દેવ (પાકિસ્તાનમાં), કાર્લ હૂપર (ભારતમાં) અને જો રુટ (ભારતમાં)નો સમાવેશ થાય છે. આ સાથે જો રુટ 100મી ટેસ્ટ રમવાવાળા સૌથી યુવા ખેલાડીઓની યાદીમાં ત્રીજા નંબરે છે. આ યાદીમાં એલિસ્ટર કૂક (28 વર્ષ 353 દિવસ), સચિન તેંડુલકર (29 વર્ષ 134 દિવસ), જો રૂટ (30 વર્ષ 37 દિવસ), માર્ક બાઉચર (30 વર્ષ 39 દિવસ) છે.


ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ 823 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને છે. જ્યારે 2012માં ઈંગ્લેન્ડે ભારત સામે શ્રેણી જીતી હતી, ત્યારે જો રુટ, એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમમાં હતો. વિરાટ કોહલીએ 2016-17માં પાંચ મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ કેપ્ટનશિપ કરી હતી. આ શ્રેણી ભારતે 4-0થી જીતી હતી. જોકે, ભારતે 2018માં 5 ટેસ્ટ મેચમાંથી માત્ર એક મેચ જીતી હતી. રુટ તે સમયે ઇંગ્લેન્ડનો કેપ્ટન હતો. જો રૂટની ટીમે 5માંથી 4 ટેસ્ટ જીતી હતી. (તસવીર - BCCI)