

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 1932માં રમાઈ હતી. આ 86 વર્ષમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં 57 ટેસ્ટ રમ્યું છે, જેમાં 3 શ્રેણીમાં જીત મેળવી છે. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડની ધરતી ઉપર પ્રથમ શ્રેણી વિજય 1971માં મેળવ્યો હતો. બીજો 1986માં અને ત્રીજો શ્રેણી વિજય 2007માં મેળવ્યો હતો. આ હાર-જીત દરમિયાન ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ વચ્ચે મતભેદો અને વિવાદો પણ થયા હતા. અમે તમને ટોપ વિવાદ વિશે બતાવી રહ્યા છીએ, જે 86 વર્ષમાં ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ વચ્ચે થયા છે.


રવીન્દ્ર જાડેજા - જેમ્સ એન્ડરસન : 2014માં ભારતે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં રવીન્દ્ર જાડેજાનો ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન સાથેનો વિવાદ ઘણો ચર્ચામાં રહ્યો હતો. જેમ્સ એન્ડરસને રવીન્દ્ર જાડેજાને નોટિંઘમમાં ડ્રેસિંગ રૂમની બહાર ધક્કો માર્યો હતો અને ગાળો પણ આપી હતી. જે સ્થાને આ ઘટના બની ત્યાં કોઈ સીસીટીવી કેમેરા ન હતા તેથી સ્પષ્ટ માહિતી ન હતી કે આખરે શું બન્યું હતું? જ્યારે પછી એન્ડરસનને આ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે આ વિશે મને કશું જ ખબર નથી. આ ઘટનાને લઈને ઘણો ડ્રામા થયો હતો.


ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ઘૂસી ગયો હતો ઇંગ્લેન્ડનો સુકાની : આ વાત 2011ની છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટ્રેન્ટબ્રિજમાં ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. મેચના ત્રીજા દિવસે મોર્ગન બોલને સ્ક્વેર લેગ તરફ રમ્યો હતો. પ્રવિણ કુમારે બાઉન્ડ્રી લાઇન પર ડાઇવ લગાવી બોલ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે એવું લાગ્યું કે બાઉન્ડ્રી બહાર ચાલ્યો ગયો છે. આથી મોર્ગન પોતાના ક્રિઝથી બહાર આવી ગયો હતો અને સાથી ખેલાડી ઇયાન બેલ સાથે હાથ મિલાવવો લાગ્યો હતો. આ સમયે પ્રવિણ કુમારે થ્રો ફેક્યો હતો અને અભિનવ મુકુંદે બેલ્સ પાડી દીધા હતા. અમ્પાયરે ઇયાન બેલને આઉટ આપ્યો હતો. આ સમયે લંચ બ્રેક પડ્યો હતો. લંચ બ્રેકમાં ઇંગ્લેન્ડનો સુકાની એન્ડ્રયુ સ્ટ્રોસ અને કોચ એન્ડી ફ્લાવર ભારતીય ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને ધોનીને અપીલ પાછી લેવાની વિનંતી કરી હતી. ધોનીએ દરિયાદિલી બતાવતા નિર્ણય બદલ્યો હતો અને બ્રેક પછી બેલને બેટિંગ કરવા માટે મેદાનમાં બોલાવ્યો હતો. ધોનીને તે વર્ષે આઈસીસી સ્પિરીટ ઓફ ક્રિકેટ એવોર્ડથી સન્માનિત કરાયો હતો.


પીટરસન પર ગુસ્સે થયો ઝહિર ખાન : ભારતે 2007માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં હતી. આ સમયે ઝહિર ખાન બેટિંગ કરવા આવ્યો હતો. તે પોતાના ગાર્ડ લઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે એક જેલી બીન તેની નજીક પડી છે. તે સમજી ગયો હતો કે તેનું ધ્યાન ભંગ કરવા માટે ઇંગ્લેન્ડના ખેલાડીઓ આ કરી રહ્યા છે. બે-ચાર બોલ રમ્યા પછી તેણે જોયું કે હવે વધારે જેલી બીન દેખાઈ રહી છે. તેણે આ પછી ગુસ્સામાં કેવિન પીટરસન તરફ ઇશારો કરી કહ્યું હતું કે તું બધું કરી રહ્યો છે. આ ઘટના પછી ઝહિરે આ મેચમાં શાનદાર બોલિંગ કરતા 75 રનમાં 5 વિકેટ ઝડપી હતી.