પર્થ ટેસ્ટ ગુમાવ્યા પછી હવે ટીમ ઇન્ડિયા બોક્સિંગ ડે ટેસ્ટમાં વાપસી કરવા પ્રયત્ન કરશે. મેલબોર્નમાં રમાનાર ટેસ્ટ મેચ વિરાટ સેના માટે ઘણી મહત્વની છે. કારણ કે આ મેચમાં જીત મળી તો ભારતીય ટીમ શ્રેણી હારશે નહીં. જોકે ભારતે આ મેચ ગુમાવી દીધી તો ઓસ્ટ્રેલિયમાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું તુટી જશે. આ મેચ શરુ થવાના અડધા કલાક પહેલા જ ટીમ ઇન્ડિયાની જીત કે હાર નક્કી થઈ જશે.
બોક્સિંગ ડે ટેસ્ટમાં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે. છેલ્લી બે ટેસ્ટમાં મેચમાં જે ટીમ ટોસ જીતી છે તેણે પ્રથમ બેટિંગ કરી હતી અને તેની જીત થઈ હતી. આવું જ બોક્સિંગ ડે ટેસ્ટમાં પણ જોવા મળી શકે છે. વિરાટ કોહલી માટે મેલબોર્નમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવી ઘણી જરુરી છે કારણ કે તે આ વર્ષે ચેઝ કરતા 7 માંથી 6 મેચ હાર્યો છે.
વિરાટ કોહલીએ 2018માં 7 ટેસ્ટ મેચમાં લક્ષ્યાંકનો પીછો કર્યો હતો, જેમાંથી 6 વખત ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. એક મેચમાં ટીમ ઇન્ડિયાની જીત થઈ હતી તેમાં લક્ષ્યાંક ફક્ત 72 રનનો હતો. વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ચેઝ કરતા 13માંથી 9 ટેસ્ટ હારી ચૂકી છે. 2 માં વિજય થયો છે અને 2 ટેસ્ટ ડ્રો રહી છે. ટીમ ઇન્ડિયા વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં એકપણ વખત 150થી વધારે લક્ષ્યાંક મેળવ્યો નથી. આ આંકડાઓ જોતા ટીમ ઇન્ડિયા માટે ટોસ જીતવો મહત્વપૂર્ણ છે.