નવી દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણી સામાન્ય શ્રેણી નથી. આ શ્રેણીથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (ICC World Test Championship)ફાઇનલ નક્કી થવાની છે. ન્યૂઝીલેન્ડે પહેલા જ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. હવે ભારત અને ઇંગ્લેન્ડની શ્રેણીથી ફાઇનલમાં રમાનાર બીજી ટીમ કોણ હશે તે નક્કી થશે? ચેન્નાઈ ટેસ્ટમાં ભારતના પરાજય પછી આ રેસ વધારે રસપ્રદ બની ગઈ છે. ભારત અને ઇંગ્લેન્ડ શ્રેણીનું પરિણામ આ બંને ટીમો સિવાય ઓસ્ટ્રેલિયાનું પણ ભવિષ્ય નક્કી કરશે. (તસવીર - BCCI)
જો ટેસ્ટ શ્રેણી 1-1, 2-2થી પણ ડ્રો થશે તો ઇંગ્લેન્ડ અને ભારત બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી શકશે નહીં અને ઓસ્ટ્રેલિયા ક્વોલિફાય કરી લેશે. જો ઇંગ્લેન્ડ આ શ્રેણી 1-0, 2-0 કે 2-1થી જીતશે તો પણ ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી જશે. ઇંગ્લેન્ડને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે 3-0, 3-1 કે 4-0થી જીત મેળવવી પડશે. (તસવીર - BCCI)
સ્પષ્ટ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસ ભારત માટે વધારે મુશ્કેલ બની ગઈ છે. જોકે કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે તેનું ધ્યાન ફાઇનલ પર છે જ નહીં. વિરાટે ચેન્નાઈમાં ટેસ્ટ ગુમાવ્યા પછી કહ્યું તે તેમનો લક્ષ્ય આગામી મેચ જીતવાનો છે. તે શ્રેણી પહેલા પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ વિશે વિચારી રહ્યો ન હતો. ચેન્નાઇ ટેસ્ટના પરિણામ પછી ઇંગ્લેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ભારત ચોથા સ્થાને આવી ગયું છે. (તસવીર - BCCI)