

કેનબેરા : શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20 મેચમાં ભારતે (IND vs AUS) પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધારે 51 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 23 બોલમાં અણનમ 44 રન બનાવ્યા હતા. જાડેજાને બેટિંગ દરમિમાન ઇજા પહોંચતા તે બોલિંગ કરવા ઉતર્યો ન હતો. જાડેજાના સ્થાને યુજવેન્દ્ર ચહલને કન્કશન સબ્સિટ્યૂટ (Concussion Substitute)તરીકે ઉતાર્યો હતો. ચહલે બોલિંગ પણ કરી હતી. ચહલ પ્લેઇંગ ઇલેવનનો ભાગ ન હતો.


મેચમાં રવીન્દ્ર જાડેજાને બેટિંગ દરમિયાન માથામાં ઇજા થઈ હતી. 20મી ઓવરના બીજા બોલે જાડેજાના બેટને અડી બોલ હેલ્મેટ સાથે ટકરાર્યો હતો. ઇજા છતા જાડેજા બેટિંગ કરતો રહ્યો હતો. તેણે મિચેલ સ્ટાર્કની તે ઓવરના ચોથા અને પાંચમાં બોલ પર ફોર પણ ફટકારી હતી.


મેડિકલ ટીમે ઇનિંગ્સ બ્રેક દરમિયાન જાડેજાની ઇજાનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી તેને આગળ નહીં રમવાની સલાહ આપવામાં આવી હતી. ભારતે જાડેજાના બદલે કન્કશન સબ્સિટ્યૂટ લેવા કહ્યું હતું. આમ ભારતે જાડેજાના બદલે બોલિંગમાં ચહલને મેદાનમાં ઉતાર્યો હતો.