આઇપીએલ 2019 પૂરી થયા પછી હવે ક્રિકેટપ્રેમીઓની નજર ઇંગ્લેન્ડમાં યોજાનાર ક્રિકેટ વર્લ્ડ કપ ઉપર છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતવા પ્રબળ દાવેદાર છે. જોકે હાલમાં પૂરી થયેલી આઈપીએલમાં ભારતના ઘણા ક્રિકેટર આઉટ ઓફ ફોર્મમાં જોવા મળ્યા હતા. જેમાં વિજય શંકર, કુલદીપ યાદવ અને દિનેશ કાર્તિક જેવા મોટા નામ છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ વિકેટો માટે ઝઝુમતો જોવા મળ્યો હતો. રોહિત શર્મા અને કેદાર જાધવના માટે પણ આઈપીએલ 2019 વ્યક્તિગત પ્રદર્શનના આધારે યાદગાર રહી નથી. આવા સમયે ટીમ મેનેજમેન્ટ આશા રાખી રહ્યું છે કે આ બધા વર્લ્ડ કપમાં ફોર્મમાં પરત ફરે.
રાહુલ આગળ નંબર-4 વાળા કાર્તિક અને શંકર પાછળ - વર્લ્ડ કપની ટીમમાં પસંદગીકારોએ અંબાતી રાયડુના બદલે વિજય શંકર અને રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકને 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો છે. શંકર હૈદરાબાદ તરફથી 15 મેચમાં ફક્ત 244 રન બનાવ્યા હતા. શંકર સારી શરુઆતને મોટા સ્કોરમાં ફેરવવા નિષ્ફળ રહ્યો હતો. બોલિંગમાં તેને આઠ ઓવર કરવાની તક મળી હતી. જેમાં ફક્ત 1 વિકેટ ઝડપી હતી. શંકરને વર્લ્ડ કપમાં ચોથા નંબરે બેટિંગ માટે દાવેદાર માનવામાં આવતો હતો પણ તેના ફોર્મે ટીમની ચિંતા વધારી છે.