

ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે ફિટનેસ સંસ્કૃતિને વિકસિત કરવા વિશે વિચારી રહી હતી ત્યારે શંકર બાસુ ટીમ સાથે જોડાયા હતા. તેમણે સંતોષ સાથે પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો કે હવે ઇચ્છીને પણ કોઈ ખેલાડી ફિટનેસને ઓછી કરી શકશે નહીં. આ 50 વર્ષીય ફિટનેસ કોચનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ ગયો છે. વિરાટ કોહલી તો ફિટનેસ પ્રત્યે ઝનુની છે અને છેલ્લા બે વર્ષમાં તેણે એકપણ દિવસ બહાનું બનાવ્યું નથી. જોકે બાસુને સૌથી વધારે સંતોષ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીની ફિટનેસ સ્તર પર ફેરફારને જોઈને થયો છે.


ભારતીય ટીમ સાથે પોતાનો કરાર 30 જુલાઈએ સમાપ્ત કરનાર બાસુએ પીટીઆઈને કહ્યું હતું કે જ્યારે મેં શરુઆત કરી તો સંસ્કૃતિને બદલવી પડકાર હતો અને હવે 90 ટકા ટીમ પ્રોફેશનલ રીતે ટ્રેનિંગ કરે છે. દરેક ટીમમાં એક બે એવા હોય છે જેના ઉપર વધારે ધ્યાન આપવું પડે છે.


જાડેજા પોતાના શરીરને જાણે છે - બાસુએ કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, દિનેશ કાર્તિક અને આર અશ્વિન સાથે પણ કામ કર્યું છે. તેની નજરમાં રવીન્દ્ર જાડેજા નૈસર્ગિક એથ્લિટ છે જે પોતાના શરીર વિશે જાણે છે અને સંભવત હાલ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફિલ્ડર છે.


મને કામની આઝાદી હતી - શંકર બાસુએ કહ્યું હતું કે હું યોગ્ય સમયે ટીમ સાથે જોડાયો હતો. ભારતીય ટીમ ફેરફાર ઇચ્છતી હતી અને આ જવાબદારી મને આપવામાં આવી હતી કે ફિટનેસ સંસ્કૃતિ વિકસિત કરું. મેં આ માટે સખત મહેનત કરી હતી. હું ભાગ્યશાળી રહ્યો કે મને એવા કોચિંગ અને સહયોગી સ્ટાફ મળ્યા જેમણે મને ટ્રેનિંગ સંબંધમાં સ્વતંત્ર નિર્ણય કરવાની છુટ આપી હતી.