વર્ષ 2018 હવે પૂરુ થવા આડે હવે બસ થોડો દિવસ જ બચ્યા છે. હંમેશાની જેમ આ વર્ષે પણ ક્રિકેટની રમતમાં ઘણા નવા રેકોર્ડ બન્યા અને નવા ખેલાડીઓએ પોતાની કૌવત બતાવી હતી. જોકે આ વર્ષે કેટલાક વિવાદ પણ થયા હતા જે ક્રિકેટ માટે એક કલંક સાબિત થયા હતા. આવો નજર નાખીએ 2018ના એવા વિવાદો પર જે આ વર્ષે ક્રિકેટની દુનિયામાં ઘણા ચર્ચામાં રહ્યા હતા.
બોલ ટેમ્પરિંગે દુનિયાની હચમચાવી - 2018માં ક્રિકેટ વર્લ્ડમાં સૌથી મોટો વિવાદના રુપમાં બોલ ટેમ્પરિંગની ઘટનાને યાદ કરવામાં આવશે. 24 માર્ચ 2018ના દિવસે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે લંચ પછી કેમેરા પર ઓસ્ટ્રેલિયાનો ફિલ્ડર કેમરુન બેનક્રોફ્ટ બોલ પર સેન્ડ પેપર ઘસતો પકડાઈ ગયો હતો. દિવસની રમત પૂરી થયા પછી સુકાની સ્મિથે કબુલાત કરી હતી કે ઉપ-સુકાની ડેવિડ વોર્નરની સલાહ પર તેણે જ બેનક્રોફ્ટને આવી ચીટિંગ કરવાની મંજૂરી આપી હતી. આ ખુલાસાથી લાખો ક્રિકેટ પ્રશંસકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ સ્મિથને સુકાની પદેથી હટાવવાની વાત કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સ્મિથ અને વોર્નર પર 12-12 મહિના અને બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ મૂકી દીધો હતો. ઓસ્ટ્રેલિયાના કોચ ડેરેન લેહમન અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સધરલેન્ડે પોતાનું પદ છોડવું પડ્યું હતું.
જયસૂર્યા પર ફિક્સિંગનો આરોપ લાગ્યો - શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સનથ જયસૂર્યા પર ભ્રષ્ટાચારના આરોપ પર આ વર્ષે ચર્ચામાં રહ્યા હતા. એક ટીવી ચેનલ અલ જઝીરાએ પોતાની ડોક્યુમેન્ટ્રીમાં બતાવ્યું હતું કે શ્રીલંકા ક્રિકેટની રમત હવે ચોખ્ખી રહી નથી. આ આરોપ પર આઈસીસીએ પોતાની તપાસ ટીમ શ્રીલંકા મોકલી હતી જ્યાં તેમણે શ્રીલંકા ટીમના ચીફ સિલેક્ટર જયસૂર્યા પર તપાસમાં સહયોગ ના કરવા અને તેને પ્રભાવિત કરવાનો સંગીન આરોપ લગાવ્યો હતો. આઈસીસીએ જયસૂર્યાને સસ્પેન્ડ કરીને તેની પાસે જવાબ પણ માંગ્યો હતો.
મિતાલી રાજ અને રમેશ પોવાર - આ વર્ષે ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં પણ વિવાદ જોવા મળ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલ ટી-20 વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં મુકાબલામાં ભારતની સીનિયર મહિલા ક્રિકેટર મિતાલી રાજનો પ્લેઈંગ ઇલેવનમાં સમાવેશ કરવો કોચ રમેશ પોવારને ભારે પડ્યો હતો.આ મેચમાં ભારતનો પરાજય થતા કોચની ટિકા થઈ હતી. આ પછી મિતાલીએ કોચ પર અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મિતાલીની આક્રોશવાળી ચિઠ્ઠી મીડિયામાં લીક ખતા જાણ થઈ હતી કે તેના અને કોચ વચ્ચે સંબંધો સારા નથી. આ વિવાદના કારણે પોવારને કોચ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેના સ્થાને ડબલ્યૂ વી રમન મહિલા ટીમના નવા કોચ બન્યા છે.
સુપ્રીમ કોર્ટની બનાવેલી કમિટી વચ્ચે થઈ લડાઈ - સુપ્રીમ કોર્ટના આદેશ પછી બીસીસીઆઈનું સંચાલન કરી રહેલા પ્રશાસકોની સમિતિ એટલે કે સીઓએના ચીફ વિનોદ રાય અને અન્ય સભ્ય ડાયના એડુલ્જી વચ્ચે મહિલા ક્રિકેટ ટીમના કોચ મુદ્દે મતભેદો બહાર આવ્યા હતા. ડાયના રમેશ પોવારને કોચ તરીકે રાખવા માંગતી હતી પણ વિનોદ રાયે નજરઅંદાજ કર્યું હતું. આ સિવાય બોર્ડના સીઈઓ રાહુલ જોહરી સામે યૌન શોષણના આરોપ સામે ચાલેલ અભિયાન #MeTooમાં ફસવાના મુદ્દે પણ બંને વચ્ચે મતભેદ રહ્યા હતા.
વિરાટે કરી બબાલ - ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ પોતાના એપ લોન્ચ કરતા સમયે એક પ્રશંસકને દેશ છોડવાની સલાહ આપતા ઘણો વિવાદ થયો હતો. આ કારણે વિરાટની રાજનીતિ, બોલિવુડ અને મીડિયાના લોકોએ ટિકા કરી હતી. પ્રશંસકે કહ્યું હતું કે તેને કોહલીની સરખામણીએ વિદેશી ખેલાડીઓ વધારે પસંદ છે. આ મુદ્દે કોહલીએ કહ્યું હતું કે તેને પોતાનો દેશ એટલે કે ભારતના ક્રિકેટર પસંદ નથી તો તે કોઈ બીજા દેશમાં જઈને રહી શકે છે. આ સિવાય પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સુકાની ટિમ પેન સાથે પણ રકઝક થઈ હતી. જેને ઓસ્ટ્રેલિયન મીડિયાએ વધારે ચગાવી હતી.