નવી દિલ્હી : અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા પછી હવે તાલિબાને (Taliban) ત્યાંના ક્રિકેટ બોર્ડની (Afghanistan Cricket Board)ઓફિસમાં ઘૂસણખોરી કરી લીધી છે. ગુરુવારે તાલિબાની આતંકી કાબુલમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના હેડ ઓફિસમાં ઘૂસી ગયા હતા. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં તાલિબાનના આતંકી એક-47 લઇને ક્રિકેટ બોર્ડની ઓફિસમાં ઘૂસ્યા છે અને તેમની સાથે પૂર્વ સ્પિનર અબ્દુલ્લાહ મઝારી (Abdullah Mazari)પણ છે. અબ્દુલ્લાહ મઝારી સ્પિનર (Abdullah Mazari Career)છે અને તે અફઘાનિસ્તાન તરફથી 2 વન-ડે મેચ પણ રમ્યો છે. આ સિવાય આ ખેલાડી 21 ફર્સ્ટ ક્લાસ મેચ, 16 લિસ્ટ એ અને 13 ટી-20 મેચો રમ્યો છે. અબ્દુલ્લાહ મઝારી કાબુલ ઇગલ્સનો ખેલાડી પણ રહ્યો છે. જે શપાગીજા ટી-20 લીગ ટીમ છે. રાશિદ ખાન (Rashid Khan)પણ અબ્દુલ્લાહ મઝારી સાથે કાબુલ ઇગલ્સ તરફથી રમી ચૂક્યો છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી હવે તેમની ક્રિકેટ ટીમનું ભવિષ્ય પણ સંકટમાં પડી ગયું છે. આ ટીમે ઘણી મહેનત કરીને ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રાશિદ ખાન અને મુજીબ જેવા સ્પિનર આખી દુનિયામાં પોતાની ફિરકીનો જાદુ બતાવી ચૂક્યા છે. જોકે હવે તાલિબાન સત્તામાં આવતા અફઘાન ક્રિકેટ ટીમનું શું થશે તે કોઇ જાણતું નથી.
તાલિબાનને પસંદ છે ક્રિકેટ- અફઘાન ક્રિકેટ બોર્ડ- અફઘાન ક્રિકેટ બોર્ડના સીઇઓ હામિદ શેનવારીનો દાવો છે કે તાલિબાનથી અફઘાની ક્રિકેટરો અને તેમના પરિવારને કોઇ ખતરો નથી. શેનવારીએ કહ્યું કે તાલિબાનને ક્રિકેટ પસંદ છે અને ટીમ ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. આટલું જ નહીં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ 10 થી 25 સપ્ટેમ્બર સુધી શપાગીજા ક્રિકેટ લીગનું આયોજન કરવાનો દાવો પણ કરી રહી છે.
અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ પર ખતરો- તમને જણાવી દઈએ કે તાલિબાન મહિલાઓની આઝાદીની વિરુદ્ધમાં છે અને હવે અફઘાનિસ્તાનમાં સત્તામાં આવતા જ દેશની મહિલા ક્રિકેટ ટીમનું અસ્તિત્વ ખતરામાં પડી ગયું છે. ગત વર્ષે જ અફઘાનિસ્તાને 25 મહિલા ખેલાડીઓને પ્રથમ વખત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જો અફઘાનિસ્તાનની ટીમ તાલિબાનના કારણે તૂટશે તો આ દેશ આઈસીસીનો પૂર્ણ સભ્ય રહેશે નહીં કારણ કે આ માટે બંને ટીમો હોવી જરૂરી છે.