કામિત સોલંકી, અમદાવાદ : ભારતમાં આપવામાં આપતા ખેલ રત્ન એવોર્ડ (Khel Ratna Award)નું નામ હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદ (Major Dhyan Chand)ના નામ પર રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે તેની જાહેરાત કરી દીધી છે. જ્યારે સમગ્ર દેશ હોકીમય થયો છે ત્યારે આ જાણવું રસપ્રદ રહેશે કે કોણ હતા ધ્યાનચંદ શા માટે તેઓ મેજર કહેવાતા, તેમનું જીવન અને ઇતિહાસ રસપ્રદ છે જાણો એક મેજર કેવી રીતે બની ગયા હોકીના જાદુગર 29 ઓગસ્ટ 1905 ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે લશ્કરના સુબેદારના ઘરે મેજર ધ્યાનચંદનો જન્મ થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્યાનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી હતી. 14 પંજાબ રેજીમેન્ટમાં તેઓ સિપાહી તરીકે ફરજ બજાવતા હતા.
મેજર ધ્યાનચંદ સિપાહીની સાથો સાથ તેઓ હોકીમાં પણ ચપળ હતા, હોકીની રમતમાં મહારથ ધરાવતા હતા. બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારીએ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા. 1927માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ધ્યાનચંદની પણ પસંદગી થઇ જેમા ભારતે 10 મેચમાં કુલ 72 ગોલ કર્યા, તેમાંથી અડધો અડધ એટલે કે 36 ગોલ તો એકલા મેજર ધ્યાનચંદે જ કર્યા હતા.
ધ્યાનચંદે તેમને મળેલી તકનો લાભ લીધો અને તેમની પસંદગી થઇ 1928માં નેધરલેન્ડના એમ્સ્ટરડમમાં રમાનારી સમર ઓલમ્પિક માટે હોકી સ્ટીકના જાદુના સહારે ભારતે ફાઈનલમાં નેધરલેન્ડને 3-0થી પરાજય આપ્યો અને જીતી લીધો ગોલ્ડ મેડલ. ધ્યાનચંદ સેન્ટર ફોરવર્ડના ખેલાડી હતા, નેધરલેન્ડને આપેલા પરાજયમાં ધ્યાનચંદે મુખ્ય ભૂમિકા નીભાવતા 2 ગોલ કર્યા હતા. ધ્યાનચંદની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જતી હતી, આજ કારણોસર તેમના વિરોધીઓએ 1928માં હોલેન્ડ ખાતે ધ્યાનચંદની હોકી સ્ટીક તોડી નાંખી, એ જાણવા કે ક્યાંક તેમની રમતનું રહસ્ય લોહ ચુંબક તો નથી ને?