

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લાખો ગરીબોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. તેમને બે ટંકનું ભોજન મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. જોકે, રમત જગતના અનેક સુપરસ્ટાર અસહાય લોકોનો સહારો બની રહ્યા છે અને કોઈને કોઈ રીતે તેમની મદદ કરી રહ્યા છે. કે. એલ. રાહુલ (KL Rahul)એ પણ ગરીબ બાળકોની મદદ માટે પોતાનું બેટ અને જર્સીની હરાજી કરી દીધી છે અને તેના માધ્યમથી તેણે 8 લાખ રૂપિયા એકત્ર કર્યા છે. જે બેટથી કે. એલ. રાહુલે વર્લ્ડ કપ 2019માં રમ્યો હતો તે જ બેટની હરાજી કરવામાં આવી છે. આ ઉપરાંત રાહુલે પોતાની ત્રણેય ફોર્મટની જર્સ, પૈડ અને હેલ્મેટની પણ હરાજી કરી દીધી.


આટલા રૂપિયામાં વેચાયું કે. એલ. રાહુલનું બેટ- કે. એલ. રાહુલના બેટ અને બીજી વસ્તુઓની હરાજી સોમવારથી શરૂ થઈ હતી. રાહુલનું વર્લ્ડ કપવાળું બેટ 2.64 લાખ રૂપિયામાં વેચાયું. રાહુલની હેલ્મેટ 1.22 લાખ રૂપિયા, તેના પૈડ 33,028 રૂપિયામાં વેચાયા. રાહુલની વનડે જર્સી 1.13 લાખ રૂપિયા, ટી20 જર્સી 1.04 લાખ રૂપિયા, ટેસ્ટ જર્સી 1.31 લાખ રૂપિયા અને તેના ગ્લોવ્ઝ 28 હજાર રૂપિયામાં વેચાયા.


આ હરાજીમાંથી મળેલા નાણાં અવેયર ફાઉન્ડેશનને આપવામાં આવશે જેના દ્વારા કોરોના વાયરસમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોની મદદ કરાશે. આ હરાજી ભારતીય ક્રિકેટ ટીમના ફેન ક્લબ ભારત આર્મીની સાથે ભાગીદારી હેઠળ કરવામાં આવી હતી.


વર્લ્ડ કપની હારથી આજે પણ ખૂબ દુઃખી- નોંધનીય છે કે, કે. એલ. રાહુલએ ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં 9 મેચમાં 45.12ની સરેરાશથી 361 રન ફટકાર્યા હતા. તેણે એક સદી અને 2 અડધી સદી ફટકારી હતી. જોકે, તેના સારા પ્રદર્શન છતાંય ટીમ ઈન્ડિયા સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ અને તેનું ત્રીજી વાર વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું.


કે. એલ. રાહુલે ઇન્સ્ટાગ્રામ લાઇઇવ દ્વારા જણાવ્યું કે, વર્લ્ડ કપમાં મળેલી હાર તેને આજે પણ હેરાન કરે છે. તે હારે તમામ ખેલાડીઓને એટલું દુઃખ પહોંચાડ્યું કે તે આજે પણ તેમાંથી બહાર આવી શક્યો નથી. રાહુલે કહ્યું કે ટીમ ઈન્ડિયા સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર રમત રમી પરંતુ તે સેમીફાઇનલમાં હારી ગઈ. રાહુલે કહ્યું કે, તે હારના સપનું તેને આજે પણ ઊંઘમાં હેરાન કરે છે. સેમીફાઇનલમાં ટીમ ઈન્ડયાને માત્ર 240 રનોનો લક્ષ્ય મળ્યો હતો પરંતુ ટીમ ઈન્ડિયા 221 રને જ તંબુ ભેગી થઈ ગઈ હતી.