અમદાવાદ. ટીમ ઈન્ડિયા (Team India)ના બેટ્સમેન ટી20 સીરીઝ (India vs England)માં અત્યાર સુધી ખુલીને બેટિંગ (Batting) નથી કરી શક્યા. ટેસ્ટ સીરીઝની અંતિમ બંને મેચો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં જ રમાઈ હતી. તેમાં પણ ટીમ માત્ર એક વાર 300થી વધુનો સ્કોર કરી શકી હતી. પાંચ મેચોની ટી20 સીરીઝમાં ઈંગ્લિશ ટીમ 2-1થી આગળ છે. જો ગુરુવારે રમાનારી મેચને ઈંગ્લિશ ટીમ (England) જીતી લે છે તો સીરીઝ પર કબજો કરી લેશે. ઈંગ્લિશ ટીમ સીરીઝ જીતીને ભારતમાં નવો રેકોર્ડ બનાવવા આતુર છે.
ટીમ ઈન્ડિયાને પહેલી અને ત્રીજી ટી20માં પહેલા બેટિંગ કરવાની તક મળી. બંને મેચમાં શરૂઆતમાં ફાસ્ટ બોલરોને મદદ મળી હતી. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને માર્ક વુડ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરે છે. તેમને અહીં સારો બાઉન્સ પણ મળી રહ્યો હતો. આ ફાસ્ટ બોલરોની વિરુદ્ધ આપણા બેટ્સમેન કંઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યા. બંને મેચમાં આપણે પહેલી 6 ઓવરમાં જ મેચની બહાર થઈ ગયું હતું. કારણ કે આપણે અગત્યની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટેસ્ટ સીરીઝમાં અહીં સ્પિન બોલરોને મદદ મળી હતી. એવામાં ટીમ ઈન્ડિયા તેવી જ પિચને લઈ રણનીતિ બનાવી હતી. પરંતુ ત્રણ મેચના રેકોર્ડ જોઈએ તો અત્યાર સુધી તેનાથી ઉલટું થયું છે.
માર્ક વુડને બે મેચમાં 8 ઓવરમાં 6ની ઇકોનોમીથી રન આપ્યા છે અને સૌથી વધુ 4 વિકેટ લીધી છે. સીરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની વાત કરીએ તો ટોપ-5માં ત્રણ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર છે. ત્રીજી ટી20માં આશા રાખવામાં આવી રહી હતી કે ઈંગ્લીશ ટીમ ઓલરાઉન્ડર મોઇન અલીને તક આપશે. પરંતુ તેવું ન થયું. જેનો અર્થ છે કે મહેમાન ટીમનો મુખ્ય પ્લાન ફાસ્ટ બોલરો પર આધારિત છે. ટીમ ઈન્ડિયાને મેચમાં દબદબો સ્થાપવો હશે તો પહેલી 6 ઓવરમાં ઈંગ્લેન્ડના બોલરોની સામે ખુલીને રમવું પડશે. બીજી ટી20માં કેપ્ટન કોહલી અને ઈશાન કિશને આવું જ કર્યું હતું.
ઈંગ્લેન્ડ બે સીરીઝ જીતનારી પહેલી વિદેશી ટીમ બની શકે છે- ટીમ ઈન્ડિયાએ ઘરમાં 20 દ્વિપક્ષીય ટી20 સીરીઝ રમી છે. માત્ર 4માં ટીમ ઈન્ડિયાને હાર મળી છે. છેલ્લી વાર ફેબ્રુઆરી 2019માં ઓસ્ટ્રેલિયાએ આપણને બે મેચોની સીરીઝમાં 2-0થી હરાવી હતી. આ ઉપરાંત ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડથી પણ એક-એક વાર હાર મળી છે. ઈંગ્લીશ ટીમ જો ચોથી મેચ જીતી લે છે તો ભારતમાં બે ટી20 સીરીઝ જીતનારી પહેલી વિદેશી ટીમ બની જશે.