નવી દિલ્હી : જમણા હાથના ઝડપી બોલર વિનય કુમારે (Vinay Kumar) ક્રિકેટને અલવિદા કહ્યું છે. શુક્રવારે વિનય કુમારે સોશિયલ મીડિયા પરના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. 37 વર્ષીય ફાસ્ટ બોલરે 2010માં ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો હતો અને 31 વનડે માં 38 વિકેટ ઝડપી હતી. આ સિવાય વિનય કુમારે 9 ટી -20માં 10 વિકેટ પણ લીધી હતી. વિનય કુમારે એક ટેસ્ટ મેચ પણ રમી હતી જેમાં તેને વિકેટ મળી હતી.
વિનય કુમારે 2009-10ની રણજી સિઝનમાં તરખાટ મચાવી દીધો હતો. આ ઝડપી બોલરે રણજી સિઝનમાં 46 વિકેટ લીધી હતી અને 11 વર્ષ બાદ કર્ણાટકની રણજી ટ્રોફી જીતી હતી. વિનય કુમારનું શાનદાર પ્રદર્શન આઈપીએલ 2010 માં પણ જોવા મળ્યું હતું. વિનય કુમારે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે 14 મેચમાં 16 વિકેટ લીધી હતી, ત્યારબાદ તેણે ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન મળ્યું હતું.