

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) સોમવારે પત્ની અનુષ્કા શર્મા સાથે મળીને કોરોના વાયરસ (Coronavirus) પીડિતોની મદદ માટે પીએમ કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફમાં દાન આપવાની જાહેરાત કરી છે. તેમણે કેટલી રકમ આપી છે તેનો ખુલાસો કર્યો નથી. જોકે સૂત્રોના મતે તેમણે આ મહામારીનો માર સહન કરી રહેલા લોકોની મદદ માટે ત્રણ કરોડ રુપિયા દાનમાં આપ્યા છે. વિરાટ અને અનુષ્કા સેલ્ફ આઈસોલેશન દરમિયાન લોકોને જાગૃત કરવામાં લાગ્યા છે. તે લોકોને ઘરમાં રહેવાની અને સતત હાથ ધોવાની અપીલ કરી રહ્યા છે.


થોડાક દિવસો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી હતી. આ પછી સેલિબ્રિટી સહિત સામાન્ય લોકો પણ મદદમાં જોડાયા છે. સૌરવ ગાંગુલી, સુરેશ રૈના સહિત ઘણા ખેલાડીઓએ દાન પણ કર્યું છે. જોકે દાન આપ્યા પછી બીસીસીઆઈ અને વિરાટ કોહલી પ્રશંસકોના નિશાને છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે આ કપલના નજીકના વ્યક્તિએ કહ્યું છે કે વિરાટ અને અનુષ્કાએ સંયુક્ત રુપથી ત્રણ કરોડ રુપિયા આપવાનો નિર્ણય કર્યો છે.


કોહલીએ ટ્વિટર પર દાન આપવાની જાહેરાત કરી હતી. કોહલીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હું અને તેની પત્ની અનુષ્કા શર્મા પીએમ કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત કોષને દાન આપીશું. કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે લોકોની પીડા જોઈને તેનું દિલ તુટી રહ્યું છે અને આશા છે કે તેના યોગદાનથી નાગરિકોના દુખને ઓછું કરવામાં કોઈ પ્રકારેથી મદદ મળશે.


દાન આપવામાં મામલે ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, સુરેશ રૈનાએ મદદ માટે પોતાની તિજોરી ખોલી દીધી છે. જોકે વર્તમાન ભારતીય ટીમના કેટલાક સભ્યો આ મુશ્કેલ સમયમાં ટિક-ટોક પર વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. ધવન, ચહલ, પંત, મોહમ્મદ શમી અને નવદીપ સૈનીએ સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો તો ઘણા શેર કર્યા છે પણ પીડિયોને મદદ કરવાના મામલે પાછળ છે.