નવી દિલ્હી : 15 ઓગસ્ટે સાંજે 7 વાગ્યાને 29 મિનિટે સોશિયલ મીડિયા પર નિવૃત્તિ જાહેર કરીને ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ (MS Dhoni Farewell Match)બધાને ચોંકાવી દીધા હતા. કોઈને વિશ્વાસ ન હતો કે આઈસીસીની ત્રણેય ટ્રોફી જીતનાર દિગ્ગજ કેપ્ટન આ રીતે નિવૃત્તિની જાહેરાત કરશે. લોકોને આશા હતી કે ધોની પણ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની જેમ મેદાનમાં વિદાય લેશે. જોકે આમ બન્યું નથી. હવે પ્રશંસકો સોશિયલ મીડિયા પર તેના માટે ફેરવેલ મેચની માંગણી કરી રહ્યા છે. આ મામલે બીસીસીઆઈની પ્રતિક્રિયા સામે આવી છે.
બીસીસીઆઈના અધિકારીનું કહેવું છે કે હાલ કોઈ ઇન્ટરનેશનલ શ્રેણી નથી. આઈપીએલ પછી ધોની માટે ફેરવેલ મેચનું આયોજન કરવામાં આવી શકે છે. બીસીસીઆઈનું પણ માનવું છે કે ધોની આ સન્માનનો હકદાર છે. સૂત્રોના મતે બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે બોર્ડ હંમેશા ઇચ્છતું હતું કે ધોની માટે ફેરવેલ મેચ આયોજીત કરવી જોઈએ. જોકે ધોનીએ અચાનક નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. બીસીસીઆઈના અધિકારીના મતે બોર્ડ ધોની સાથે આઈપીએલ દરમિયાન વાતચીત કરશે અને તેને સન્માનિત કરવો બીસીસીઆઈ માટે સન્માનની વાત ગણાશે. ધોની માને કે ના માને પણ તેના માટે એક સ્પેશ્યલ સમારોહનું આયોજન અવશ્ય કરવામાં આવશે.