

નવી દિલ્હી : આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજોનાર ટી-20 વર્લ્ડ કપને (T20 World Cup)આઈસીસીએ સ્થગિત કરી દીધો છે. આ પછી આઈપીએલનો (IPL)રસ્તો ક્લિન થઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે આ વર્ષે આઈપીએલ યૂએઈમાં રમાશે. જેની શરૂઆત 19 સપ્ટેમ્બરે થશે. પહેલા એમ કહેવામાં આવતું હતું કે ફાઇનલ મુકાબલો આઠ નવેમ્બર રમાશે. જોકે હવે માનવામાં આવશે કે આ તારીખમાં ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ આઇપીએલ ખતમ થતાની સાથે જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થશે.


રિપોર્ટ પ્રમાણે ટૂર્નામેન્ટ શરૂ થવાની તારીખમાં કોઈ ફેરફાર નથી પણ ફાઇનલ મુકાબલો આઠના બદલે 10 નવેમ્બરે રમાશે. જો આમ થશે તો આ ટૂર્નામેન્ટ 51ના બદલે 53 દિવસ રમાશે. હાલ તેને લઈને ચર્ચા ચાલી રહી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અંતિમ નિર્ણય બે ઓગસ્ટે યોજાનાર આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવશે.


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ફાઇનલ માટે નક્કી કરવામાં આવી રહેલી તારીખ 10 નવેમ્બર દિવાળીના સપ્તાહની વચ્ચે છે. પહેલા ખબર હતી કે બ્રોડકાસ્ટર નક્કી કરેલા કાર્યક્રમથી વધારે ખુશ નથી અને તેમણે પોતાની વાત કહી છે. સ્ટાર દિવાળીના સપ્તાહનો વધારેમાં વધારે ઉપયોગ કરવા માંગે છે. આ વર્ષે દિવાળી 14 નવેમ્બરે છે. તેથી તે ઇચ્છે છે કે ફાઇનલ દિવાળીના સપ્તાહમાં જ રમાય. જો આમ થશે તો પ્રથમ વખત બનશે કે આઈપીએલનો ફાઇનલ મુકાબલો રવિવારે રમાશે નહીં.


કહેવામાં આવે છે કે આ ફેરફાર પાછળનું કારણ એ પણ છે તે બીસીસીઆઈ પ્રયત્ન કરી રહ્યું છે કે ખેલાડી આઈપીએલ પછી ઘરે જવાના બદલે સીધા ઓસ્ટ્રેલિયા રવાના થયા, જેનો વાયદો ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને કર્યો છે. ફાઇનલમાં નહીં રમતા હોય તે ખેલાડીઓને પણ ભારત જવાની મંજૂરી મળશે નહીં. તે ત્યાં જ રહીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે લગાવેલા કેમ્પમાં ભાગ લેશે. સુરક્ષા નિયમોનું પાલન કરતા ખેલાડીઓને આઈપીએલ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પોતાના પરિવારને મળવાની મંજૂરી મળશે નહીં.