નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમની રમતમાં સુધારા પાછળ એક મોટું કારણ ખેલાડીઓની ફિટનેસ છે. ભારતીય ટીમમાં તે જ ખેલાડી સ્થાન મેળવી શકે છે જે બોલ અને બેટની સાથે-સાથે ફિટ પણ હોય. ટીમમાં સામેલ થવા માટે દરેક ખેલાડીનો યો-યો ટેસ્ટ (YO-YO Test)થાય છે અને જેમાં તે ફેઇલ થાય તો તે સારા ફોર્મમાં હોવા છતા સ્થાન મળતું નથી. જે ખેલાડી યો-યો ટેસ્ટને પાસ કરે તેને જ ટીમ ઇન્ડિયામાં સ્થાન મળે છે. જોકે હવે બીસીસીઆઈએ (BCCI)મોટો નિર્ણય કરતા એક નવા ફિટનેસ ટેસ્ટની મંજૂરી આપી છે. ખેલાડીઓએ યો-યો ટેસ્ટ સિવાય નવો ફિટનેસ ટેસ્ટ (New Fitness Test)પણ પાસ કરવો પડશે.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ટીમ ઇન્ડિયાના સ્તરને નવી ઉંચાઇઓ પર પહોંચાડવા માટે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક નવા ફિટનેસ ટેસ્ટને મંજૂરી આપી છે. જેને પાસ કરવો દરેક ખેલાડી માટે ફરજિયાત રહેશે. આ ટેસ્ટમાં ખેલાડીઓની ઝડપ અને તેમની ક્ષમતાને પરખવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને 2 કિમી સુધી ભાગવું પડશે. બેટ્સમેનો અને બોલરો માટે તેની સમય સીમા અલગ-અલગ હશે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે બીસીસીઆઈનું માનવું છે કે ટીમ ઇન્ડિયાની સફળતામાં ખેલાડીઓની ફિટનેસનો મહત્વનો રોલ છે. હવે ફિટનેસના સ્તરને એક અલગ મુકામ પર લઇ જવાની જરૂર છે. જેથી ટાઇમ ટ્રાયલને લાવવામાં આવી રહ્યો છે. જેથી ખેલાડીઓની ફિટનેસ વધારે સારી થશે. દરે વર્ષે તેને મુશ્કેલ બનાવવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે આ ફિટનેસ ટેસ્ટ વર્ષમાં ત્રણ વખત થશે. ખેલાડીઓનો ટાઇમ ટ્રાયલ ટેસ્ટ ફેબ્રુઆરી, જૂન અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થશે.