

મોહાલી વન-ડેમાં એશ્ટન ટર્નરે 43 બોલમાં અણનમ 84 રન બનાવી ટીમ ઇન્ડિયાના પાસેથી જીત ઝુંટવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને 358 રનનો પડકાર મેળવી લીધો હતો. ટર્નરની ઇનિંગ્સ જોઈને ક્રિકેટ પ્રશંસકો તેના દિવાના બની ગયા છે. 6 ફૂટ 2 ઇંચ લાંબો આ બેટ્સમેન પોતાની બીજી જ વન-ડે મેચ રમી રહ્યો હતો પણ જે રીતે તેને બેટિંગ કરી છે તે જોતા તેની સરખામણી એમએસ ધોની સાથે થવા લાગી છે.


ટર્નરે મોહાલીમાં 195.35ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા અને 6 સિક્સર ફટકારી હતી. જોકે આ દરમિયાન તેની વિકેટ વચ્ચે રનિંગે પણ બધાનું ધ્યાન ખેચ્યું હતું. મોહાલીમાં તેણે 6 વખત 2-2 રન લીધા હતા. સાથે 359ના વિશાળ પડકારને ધોનીની જેમ કૂલ અંદાજમાં પાર કર્યો હતો. સતત સ્ટ્રાઇક રોટેટ પણ કરી હતી.


ટર્નરને ઓસ્ટ્રેલિયાના પ્રશંસકો ઓફ સ્પિનર તરીકે ઓળખે છે. તે થોડી ઘણી બેટિંગ કરી લેશે. 2012ના અંડર-19 વર્લ્ડ કપમાં તેને રમવાની તક મળી હતી. આ ટૂર્નામેન્ટમાં તે 11 વિકેટ સાથે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર હતો.


આ પછી ટર્નરે પોતાની બેટિંગ પર ધ્યાન આપ્યું હતું. હાલમાં બિગ બેશમાં તે સૌથી સારો ફિનિશર પસંદ થયો હતો.


ટર્નર આ પહેલા પણ ભારતમાં રમી ચૂક્યો છે. 2014માં તે ચેન્નાઈમાં હતો અને રસ્તા ઉપર નારિયેળ પાણી વેચતો જોવા મળ્યો હતો. ટર્નરે નારિયેળની લારી સાથે ફોટો ખેંચાવીને પોતાની પાર્ટ ટાઇમ જોબ ગણાવી હતી.