દિલ્હીના આ બેટ્સમેને પોતાની પોસ્ટમાં લખ્યું કે, પોતાના દેશ માટે 15 વર્ષથી પણ વધુ સમય સુધી ક્રિકેટ રમ્યા બાદ હું આ સુંદર રમતથી અલવિદા કહેવા માંગું છું. ગંભીરે કહ્યું કે, આ મારા જીવનનો સૌથી મુશ્કેલી નિર્ણય હતો. મને ઘણા દિવસોથી લાગી રહ્યું હતું કે તેનો સમય આવી ગયો છે. તેમણે પોતાના કારકિર્દીમાં મદદ કરનારાઓની આભાર વ્યક્ત કર્યો.
આવો ગૌતમ ગંભીરના ક્રિકેટ કારકિર્દીના તે પળો પર નજર નાખીએ જ્યારે તેમને ગુસ્સો આવી ગયો. ગંભીર અને આફ્રિદીનો ઝઘડો તો ઘણો ચર્ચામાં છે. 2007માં કાનપુર વનડે દરમિયાન પાકના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી ગાળાગાળી થઈ હતી. એક બીજાને ગાળો દેવાની સાથે પછી રન લેતા ગંભીર, આફ્રિદી ટકરાઈ ગયા હતા. ત્યારબાદ બંને એક બીજા સાથે ભિડાઈ ગયા અને પછી બાદમાં અમ્પાયરે બંનેને અલગ કર્યા.
રણજી મેચ દરમિયાન દિલ્હીની કેપ્ટન્સી કરી રહેલા ગંભીર અને બંગાળના કેપ્ટન મનોજ તિવારીની વચ્ચે ઝઘડો એ હદે વધી ગયો હતો કે મારઝૂડ સુધીની સ્થિતિ આવી ગઈ હતી. ગંભીર એક વાર મનોજ તિવારી પર ફેંટ તાણી હુમલા માટે આગળ વધી ગયા હતા, પરંતુ અમ્પાયરે તેમને રોકી લીધા હતા. સમજાવવા આવેલા અમ્પાયર શ્રીનાથને ગૌતમ ગંભીરે ધક્કો પણ મારી દીધો હતો.
2008માં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવી હતી. ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી મેચ દિલ્હીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં હતી. આ મેચમાં ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ડબલ સેન્ચૂરી ફટકારી હતી. પોતાની બેટિંગ દરમિયાન શેન વોટસન અને ગંભીરની વચ્ચે ગરમા-ગરમી થઈ હતી. વાત એ હદે વધી ગઈ કે ગંભીરે રન દોડતી વખતે વોટસનના પેટમાં કુણી મારી દીધી હતી.