પિચને ન સમજતાં કરી પ્લેયર્સની ખોટી પસંદગી પિચનો અભ્યાસ કરવામાં ટીમ ઈન્ડિયા નિષ્ફળ રહી. આ મેચમાં ભારતે ચાર સીમરની સાથે ઉતારવાનો નિર્ણય કર્યો જે મોટું બ્લન્ડર સાબિત થયું. આ વાતને ઓસ્ટ્રેલિયાના ઓફ સ્પીનર નોથન લોયને પણ સાબિત કર્યું, જેણે મેચમાં 8 વિકેટ લીધી. પહેલી ઇનિંગમાં પાર્ટટાઇમર હનુમા વિહારીની બે વિકેટ પણ આ એન્ગલને સાચી સાબિત કરે છે. જ્યારે જરૂર હતી ત્યારે કોહલી પાસે કોઈ સ્પીનર જ નહોતો, જે હારનું એક કારણ બન્યું.
બંને ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત પર્થમાં ભારત ડૂબ્યું તેમાં આ એક મોટું કારણ રહ્યું. પહેલી ઇનિંગમાં ઓપનર્સે બે રન જોડ્યા તો બીજી ઇનિંગમાં શૂન્ય ઉપર જ કેએલ રાહુલ આઉટ થઈ ગયો. બંને એન્ડ પર ઓપનરની મુશ્કેલીની વચ્ચે કેએલ રાહુલ બહુ મોટી નિષ્ફળતા પુરવાર થયા. અને બંને ઇનિંગમાં ખરાબ શરૂઆતે ટીમને હાર તરફ ધકેલી દીધી.
પૂંછડીયા બેટ્સમેનથી ન મળ્યો જરા પણ સહયોગ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોટો તફાવત બંનેના પૂંછડીયા બેટ્સમને છે. ઓસ્ટ્રેલિયાન પૂંછડીયા બેટ્સમેને બીજી ઇનિંગમાં 36 રન જોડ્યા. તો બીજી તરફ, પહેલી ઇનિંગમાં ભારતની છેલ્લી પાંચ વિકેટ 32 રનમાં પડી ગઈ. બીજી ઇનિંગની તો વાત ન કરી શકાય તેવી છે. એડિલેડમાં પણ પૂંછડીયા બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક જ રહ્યું.
નોથન લોયન દિગ્ગજો પર ભારે પડ્યો એ ખૂબ જ ચિંતાની વાત રહી કે સ્પિનને રમવામાં દિગ્ગજ મનાતાં ભારતીય સ્ટાર બેટ્સમેન નોથન લોયનની સામે પાણી ભરતા જોવા મળ્યા. લોયને પણ ભારતના સ્ટાર બેટ્સમેનોને સેટ થાય તે પહેલાં જ પેવેલિયન પરત મોકલી દીધા. પહેલી ઇનિંગમાં નોથને પાંચ અને બીજી ઇનિંગમાં તેણે ત્રણ વિકેટ મળી કુલ મેચમાં 8 વિકેટ ઝડપી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. એડિલેડમાં પણ લોયને આઠ વિકેટ ઝડપી હતી.