નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ધોનીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને તેની જાહેરાત કરી છે. તેની નિવૃત્તિને લઈને છેલ્લા એક વર્ષથી અટકળો થતી હતી. આ બધાની વચ્ચે ધોનીની નિવૃત્તિમાં 3939 નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી થાય છે.
ધોનીની નિવૃત્તિ પછી બધાના મનમાં એ સવાલ ઉભો થયો છે કે આખરે ધોનીએ 15 ઓગસ્ટના રોજ નિવૃત્તિની જાહેરાત કેમ કરી. આમ તો જે લોકો ધોનીને જાણે છે તે તેમને ખબર છે કે ધોની સેના અને દેશને ઘણો પ્રેમ કરે છે. એટલે માનવામાં આવે છે કે ભારતની આઝાદીના આ ઐતિહાસિક દિવસે પોતાના દેશપ્રેમના કારણે નિવૃત્તિ માટે પસંદ કર્યો છે.
એમએસ ધોનીએ 2004માં બાંગ્લાદેશ સામે વન-ડે મેચ રમીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ધોનીએ 2014માં ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોની ભારત તરફથી 90 ટેસ્ટ, 350 વન-ડે અને 98 ટી-20 મેચ રમ્યો છે. 350 વન-ડેમાં 10,773 રન બનાવ્યા છે. જેમાં બેસ્ટ સ્કોર 183 રહ્યો છે. વન-ડેમાં 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. 98 ટી-20 મેચમાં બે અડધી સદી સાથે 1617 રન બનાવ્યા છે. ધોની અંતિમ ઇન્ટરનેશનલ મેચ 10 જુલાઈ 2019ના રોજ રમ્યો હતો.