

ભરતસિંહ વાઢેર, વલસાડ: વાપી જીઆઇડીસી (Vapi GIDC) ચાર રસ્તાના ઓવરબ્રિજ પર ગઇકાલે એક ટ્રકે (Truck) અડફેટે લીધા બાદ એક રાહદારીનું મોત (Death) થયું હતું. બીજો એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો છે. ગઇકાલે બનેલી આ ઘટના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે. જેમાં ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ચાલી રહેલા બે રાહદારીઓને પૂર ઝડપે આવતો એક ટ્રક અડફેટે લે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.


વાપી ખાતે બનેલી આ ઘટનામાં એક રાહદારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિની વલસાડ સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ વાપી જીઆઇડીસી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


બનાવની વિગતે વાત કરીએ તો વાપી જીઆઇડીસી વિસ્તારમાં એક કંપનીમાં કામ કરતાં મૂળ નેપાળના મદન થાપા નામના એક વ્યક્તિ અને તેમના અન્ય સાથીદાર માન બહાદુરગીરી નોકરી પરથી સાંજના સમયે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.


વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર આ બંને વ્યક્તિઓ સાઈડમાં ચાલી રહ્યા હતા. આ દરમિયાન જ પાછળથી આવતા એક ટ્રકના ચાલકે ગફલત રીતે ટ્રક હંકારી બંને રાહદારીઓને અડફેટે લીધા હતા.


બનાવમાં મદન થાપા નામના મૂળ નેપાળી વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે માન બહાદુરગીરી નામના અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


આ બાબતે મૃતક મદન થાપાના પુત્રએ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.


આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વાપી જીઆઇડીસી પોલીસે હવે આ સીસીટીવી ફૂટેજના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વહેતો થયો છે.