

ભરતસિંહ વાઢેર, વલસાડ : જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગૌ તસ્કરો બેફામ બન્યા છે. જોકે આજે વહેલી સવારે ગૌતસ્કરો બેફામ બની અને કપરાડા તાલુકાના કરજુન ગામમાં પોલીસની ટીમ પર પથ્થરમારો કરી અને હુમલો કર્યો હતો. સાથે જ પોલીસ પર ગાડી ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જીવલેણ હુમલો કરતા ગૌતસ્કરો થી બચવા બચાવમાં કપરાડાના પી.એસ.આઈ એ બે રાઉન્ડ ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ હતી. જોકે તસ્કરો ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.


પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કપરાડા તાલુકાના સુખાલા ગામેથી આજે વહેલી સવારે ગૌ તસ્કરો ગાયને ભરી અને ફરાર થઈ રહ્યા હતા. જેની જાણ થતાં કપરાડા પોલીસની ટીમે ગૌ તસ્કરોનો પીછો કર્યો હતો. આમ કપરાડા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય રસ્તાઓ પર તસ્કરો અને પોલીસ વચ્ચે પકડદાવ ના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.


જોકે કપરાડા તાલુકાના કરજૂન ગામ નજીક તસ્કરોને આગળ જવાનો રસ્તો નહીં મળતાં, આખરે તેઓ ફસાયા હતા. આથી પાછળથી આવતી ફરાર થવા ગૌ તસ્કરોએ આડશ મુકી અને ઊભેલી પોલીસની ટીમ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, અને સાથે જ તસ્કરોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કપરાડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી. તો પોલીસની જીપને પણ ટક્કર મારવાનો પ્રયાસ કરતા, અને પથ્થરમારાથી બચવા કપરાડાપ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભાદરકાએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસની ટીમ પર હુમલો કરી ગૌતસ્કરો ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે ફરાર થઈ રહેલા ગૌ તસ્કરોનો અંતરિયાળ ગ્રામ્ય રસ્તાઓ પર પીછો કર્યો હતો. જોકે ઘટના ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર બની હોવાથી તસ્કરો મહારાષ્ટ્રની હદમાં ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ વલસાડ જિલ્લાભરની પોલીસ ફરાર ગૌ તસ્સકરોને ઝડપવા તમામ દિશામાં તપાસ જ કરી હતી.


મહત્વપૂર્ણ છે કે, જિલ્લામાં ગૌ તસ્કરોના આતંકનો આ પ્રથમ બનાવ નથી. છેલ્લા પંદર દિવસમાં વલસાડ જિલ્લામાં મોડી રાત્રે જાહેર રસ્તા પર અને રેઢી ફરતી ગૌવંશને ક્રૂરતાપૂર્વક ગાડીઓમાં ભરી અને ફરાર થવાની અનેક ઘટનાઓ બની ચુકી છે. આમ ગાયો ચોરવાની અનેક ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે.


જેને પગલે આજે વલસાડ જિલ્લામાં આતંક મચાવનાર ગૌતસ્કરો અને કપરાાડ પોલીસનો આમનો સામનો થયો હતો. જેમાં તસ્કરોએ પોલીસની ટીમ પર પથ્થરમારો કરી અને ગાડી ચલાવવાનો પ્રયાસ કરી અને પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો..આથી પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.. આમ આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તો બેફામ બનેલા ગૌ તસ્કરો નિ શાન ઠેકાણે લાવવા વલસાડ જિલ્લાની પોલીસ પોતાના બાતમીદારો નું નેટવર્ક સક્રિય કરી અને ફરાર થયેલા તસ્કરોને ઝડપવા માટે તમામ દિશામાં તપાસ જ કરી છે.