વલસાડઃ બે મિત્રોની જીવનની છેલ્લી 'રાઈડ', હેલ્મેટ પણ ન બચાવી શક્યું જીવ
મૂળ મુંબઈના મિત્રો બાઈક અને મોપેડ લઇ અને સુરત ફરવા ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા. એ વખતે વલસાડ નજીક વાંકી નદીના પુલ પર હાઇવે પર બેફામ રીતે દોડતી એક ટ્રક એ મોપેડ પર સવાર બંને મિત્રોને અડફેટે લીધા હતા.


ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ નજીકથી પસાર થતો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે (Ahmedabad national highway) નંબર 48 છેલ્લા કેટલાક સમયથી જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વલસાડના અતુલ અને ગુંદલાવ ચોકડી વચે નેશનલ હાઇવે (National highway) જાણે અકસ્માત ઝોન (Accident zone) બની રહ્યો હોય તેવી ઘટનાઓ અવારનવાર બની રહી છે. આજે ફરી એક વખત વલસાડના (valsad) અતુલ નજીક વાંકી નદીના પુલ પર હાઈવે પર બેફામ દોડતા એક ટ્રકે મોપેડ (truck hit activa) પર સવાર મુંબઈના 2 યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જોકે અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.


બનાવની વિગતે વાત કરીએ તો મૂળ મુંબઈના મિત્રો બાઈક અને મોપેડ લઇ અને સુરત ફરવા ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા. એ વખતે વલસાડ નજીક વાંકી નદીના પુલ પર હાઇવે પર બેફામ રીતે દોડતી એક ટ્રક એ મોપેડ પર સવાર બંને મિત્રોને અડફેટે લીધા હતા. આમ ટ્રકની જોરદાર ટક્કરને કારણે મોપેડ સવાર બંને મિત્રો પુલની રેલિંગ સાથે જોરદાર ટકરાયા હતા.


જોકે મોપેડ ચાલકે હેલ્મેટ પહેરી હોવા છતાં પણ હેલ્મેટનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અને બંને મિત્રોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. અકસ્માતનો ભોગ બનેલ સુરજ મિશ્રા અને જીતેન્દ્ર યાદવ નામના બંને યુવકો મૂળ મુંબઈના રહેવાસી હતા. અને તેઓ સુરત ફરી અને પરત ફરી રહ્યા હતા.એ વખતે જ વલસાડ નજીક કાળમુખા ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.


અકસ્માતનો ભોગ બનેલા બંને મિત્રોનો અન્ય અને એક મિત્ર પણ તેમની પાછળ બાઇક પર આવી ગયો હતો. આથી અકસ્માત બાદ બાઇક પર આવી રહેલા મિત્રે ટ્રક ચાલકને ઠોભાવ્યો હતો. જોકે પરિસ્થિતિ જોતા ટ્રકચાલક હાઇવે પર જ ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ વલસાડ પોલીસનો કાફલો હાઇવે પર પહોંચ્યો હતો અને અકસ્માત માં મોતને ભેટેલા સુરજ મિશ્રા અને જીતેન્દ્ર યાદવ નામના બંને યુવકોના મૃતદેહનો કબ્જો લઈ અને તેમના પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આમ ફરી એક વખત વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બેફામ દોડતા ટ્રકે મુંબઈના બે મિત્રો નો ભોગ લીધો હતો. મહત્વપૂર્ણ છે કે છેલ્લા એક મહિનામાં વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવા 10થી વધુ ગંભીર જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે.. જેમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત આજે હાઇવે પર દોડતા બેફામ ટ્રકે અડફેટે લેતાં મુંબઈના બે મિત્રોના કમકમાટીભર્યા મોતની ઘટના બની છે..