

ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ થયાના થોડા જ કલાકો બાદ મોગરાવાડી વિસ્તારમાં મારામારી (Scuffle)ની ઘટના પ્રકાશમાં આવી છે. મોગરાવાડીના મણીનગર વિસ્તારમાં એક બેકરી સંચાલક પર જીવલેણ હુમલા (Attack on backery owner)ની ઘટના સીસીટીવી કેમેરા (CCTV camera)માં કેદ થઇ છે. ભોગ બનનાર બેકરી સંચાલકે સીસીટીવી ફૂટેજ સાથે વલસાડ સીટી પોલીસ સ્ટેશન (Valsad city police station)માં રજુઆત કરતા પોલીસે ડાયરીમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારામારીની આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા પણ થઈ છે. તમામને સારવાર માટે વલસાડની સિવિલ હૉસ્પિટલ (Civil Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.


આ બનાવ ની વિગતે વાત કરીએ તો વલસાડના મોગરાવાડીના મણીનગર વિસ્તારમાં આવેલી સુપર લક્કી બેકરીમાં પાઉં અને બિસ્કિટ સહિતની બેકરીની આઈટમો બનાવી વેચવામાં આવે છે. દિવસભર મોગરાવાડીના મણિનગર વિસ્તારમાં વીજપુરવઠો બંધ હોવાથી મોડી રાત્રે વીજ પ્રવાહ ફરી શરૂ થતા બેકરી સંચાલકે બેકરીમાં પાઉં અને બિસ્કિટ સહિત બેકરીનો સામાન બનાવવા માટે મશીન ચાલુ કર્યું હતું. મશીનનો અવાજ આવતા બેકરીની બાજુમાં રહેતા પડોશીઓએ બેકરી સંચાલકને મશીન બંધ કરવા જણાવ્યું હતું.


દિવસભર વીજ પુરવઠો બંધ હોવાથી બેકરીનું કામ ન થઈ શક્યું હોવાથી બેકરી સંચાલકે થોડા સમય સુધી મશીન ચાલુ રાખવા માટે વિનંતી કરી હતી. જોકે, પાડોશીઓ મશીન બંધ કરાવવાની જીદ પર ઉતર્યા હતા. આ મામલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી.


થોડીવારમાં મામલો ગરમાતા શારદા પ્રસાદ નામના પડોશી અને તેમના અન્ય પરિવારજનોએ બેકરી સંચાલક ડબલુ ગુપ્તા અને તેના ભત્રીજા પર હુમલો કર્યો હતો. પથ્થર, ઇંટ અને હોકી અને ધોકા સહિતના હથિયાર વડે ડબલુ ગુપ્તા અને તેના ભત્રીજાને માર મારવામાં આવ્યો હતો.


મારામારીની આ સમગ્ર ઘટના દુકાન પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી કેમેરામાં જોવા મળે છે કે મારામારી થઈ રહી છે, પડોશીઓ બેકરી સંચાલક અને તેના ભત્રીજાને બેફામ માર મારી રહ્યા છે.


સાતથી વધુ લોકોએ બેકરી સંચાલક અને તેના ભત્રીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બંને પક્ષના ત્રણ લોકોને ઈજા થઈ હતી. તમામને સારવાર માટે વલસાડની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.