ભરત સિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાનાં (Valsad District) બગવાડા નજીકથી રોકડ રકમ એકઠી કરી અને બેંકમાં જમા કરાવવાની જવાબદારી ધરાવતી એક ખાનગી એજન્સીનાં કર્મચારી પાસેથી રૂપિયા 28 લાખથી વધુની લૂંટની (28 Lakhs Loot Case) ફરિયાદ મામલો વલસાડ જિલ્લા પોલીસે (Valsad Police) ગણતરીના કલાકોમાં જ કેસ ઉકેલી કાઢયો છે. આ મામલામાં પોલીસે લૂંટનું તરકટ રચનાર ખુદ ફરિયાદી અને તેના બે સાગરીતોની ધરપકડ કરી લીધી છે. લૂંટ થયેલી 28 લાખથી વધુ રૂપિયાની રોકડ રકમ પોલીસે કબજે કરી લીધી છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આથી પોલીસે આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ફરિયાદી દર્શન રાજેશ માયાવંશી સિસકો નામની એક ખાનગી એજન્સીમાં કામ કરતો હતો. આ એજન્સી વલસાડ જિલ્લાના ઉદવાડા ,સંજાણ ભીલાડ અને આસપાસના વિસ્તારના રેલવે સ્ટેશનો અને અન્ય ગ્રાહકો પાસેથી મોટી રકમ એકઠી કરી અને ત્યારબાદ તે વાપીની એક બેંકમાં જમા કરાવવાની ફરજ બજાવતો હતો.
એજન્સી તરફથી મોટેભાગે દર્શન માહ્યાવંશી નામનો કેશિયર કેશ કલેક્શનનું કામ કરતો હતો. બનાવ વખતે પણ તે રૂપિયા 28 લાખથી વધુની રોકડ રકમનું કલેક્શન કરી અને વાપીની એક બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો. એ વખતે જ બગવાડા સારણ રોડ પર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે નીચે પટકાયો હતો. એ વખતે જ હેલ્મેટ પહેરેલા બે લૂંટારૂઓ ત્યાં પહોંચી અને તેની પાસેથી રૂપિયા 28 લાખથી વધુની રોકડ રકમ ભરેલી બેગની લૂંટ કરીને ફરાર થઈ ગયા હોવાની વાત કરી છે.
આ બાબતની પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આમ લાખો રૂપિયાની લૂંટની ફરિયાદ દાખલ થતા જિલ્લાભરનાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ગુનાનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા એસ.ઓ.જી અને એલ.સી. બી પોલીસ સાથે પારડી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. જો કે ફરિયાદ દાખલ થતાં જ ફરિયાદીનાં વર્તન પરથી પોલીસને ફરિયાદી પર શંકા ગઈ હતી.<br />પોલીસે આગવી ઢબે ફરિયાદીની પૂછપરછ કરતાં ગણતરીનાં કલાકોમાં જ આ લૂંટનો ભેદ ઉકેલાયો હતો. અને જે રહસ્ય બહાર આવ્યું તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણકે સિસ્કો નામની આ એજન્સીનાં કેશિયર દર્શન માહ્યાવંશી સાથે હકીકતમાં કોઈ લૂંટ થઇ જ ન હતી .પરંતુ ફરિયાદીએ જ તેના અન્ય બે સાગરિતો સાથે મળી અને લૂંટનું તરકટ રચ્યું હતું. પરંતુ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ખુદ ફરિયાદી દર્શન માહ્યાવંશી એ જ વટાણા વેરી નાખ્યા હતા. આથી પોલીસે લૂંટની આ ખોટી ફરિયાદ દાખલ કરનાર ફરિયાદી દર્શન માહ્યાવંશી અને દહેરીનાં ગોવાડા ગામનાં ફરિયાદીનાં અન્ય સાગરિતો નૈતિક પ્રેમના અને મનીષ માહ્યાવંશી એમ ત્રણે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી લૂંટની 28 લાખથી વધુ રૂપિયાની રોકડ રકમ કબજે કરવામાં સફળતા મળી હતી.