ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ (Health department) અને વહીવટી તંત્ર દ્વારા રસીનો જથ્થો (Corona vaccine) ઉપલબ્ધ થાય તે પ્રમાણે આયોજન બદ્ધ રીતે ઝડપથી રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના ઊંટડી ગામ (Untadi village)માં 100 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. મહત્વપૂર્ણ છે કે શહેરી વિસ્તારોની સરખામણીમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણને ઓછો પ્રતિસાદ (Corona vaccination) મળી રહ્યો હતો. આથી વહીવટીતંત્ર દ્વારા જે વિસ્તારમાં રસીકરણને ઓછો પ્રતિસાદ મળી રહ્યો હતો તેવા વિસ્તારોમાં જન જાગૃતિ ઝુંબેશ હાથ ધરી હતી અને લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
બીજી બાજુ જે ગામોની અંદર રસીકરણ માટે લોકો સામેથી સહયોગ આપી રહ્યા છે અને રસીકરણ માટે ઉત્સાહ બતાવી રહ્યા છે તેવા ગામો પર આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉત્સાહપૂર્વક રસીકરણ કરાવતા ગામોમાં આરોગ્ય વિભાગની ટીમોએ 100 ટકા રસીકરણ કરાવવાની ઝૂંબેશ હાથ ધરી છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ઊંટડી ગામમાં જિલ્લાનું સૌપ્રથમ 100 ટકા રસીકરણ થઈ ગયું છે.
મહત્ત્વપૂર્ણ છે કે ઊંટડી ગામમાં રસીકરણના શરૂઆતથી જ લોકો સહયોગ આપી રહ્યા હતા. પરંતુ ગામના કેટલાક વિસ્તારોમાં લોકો રસીકરણ પ્રત્યે ઉદાસીન હતા. જે બાદમાં જે વિસ્તારોમાંથીલોકો ઓછું રસીકરણ કરવા આવી રહ્યા હતા તેવા વિસ્તારો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે જઈને લોકોને સમજાવતા હતા. ત્યારબાદ તમામને રસી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.