ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાની (Valsad news) પારડી પોલીસે (pardi police) પારડી તાલુકાના દરિયા કિનારે આવેલા ઉમરસાડી ગામના માંગેલાવાડની જેટી સુધી દરિયાઈ માર્ગે વિદેશી દારૂની હેરાફેરી (liquor smuggling) કરતા એક આરોપીને ઝડપી 1 લાખ રૂપિયાથી વધુની કિંમતના વિદેશી દારૂ અને વાહન સહિત અંદાજે સાડા પાંચ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વપૂર્ણ છે કે દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણમાંથી રોડ માર્ગે મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે. જેના પર રોક લગાવવા વલસાડ જિલ્લા પોલીસે વિવિધ સ્થળો પર નાકાબંધી કરી છે. અને દમણની બોર્ડર પર પોલીસનો સખત પહેરો રહેતો હોવાથી હવે બુટલેગરો માટે રોડ માર્ગે દારૂ ઘૂસાડવાનું વધુ મુશ્કેલ બનતાં. હવે દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામના માંગેલાવાડના દરિયાકિનારે કેટલાક શકશો બોટમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવી અને દરિયાકિનારે બોટમાંથી એક પીક અપ જીપમાં દારૂનો જથ્થો ભરી રહ્યા હોવાની જાણ થતા. આસપાસના લોકો એકઠા થયા હતા. અને પોલીસને જાણ કરી હતી. આથી ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.
તે દરમિયાન લોકોની મદદથી પોલીસે દમણથી દરિયાઈ માર્ગે બોટમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લાવી અને તેને પીકઅપ ગાડીમાં ભરી અને તેના ફરફેર કરવાના પ્રયાસ બદલ વિજય માંગેલા નામના આરોપીની ધરપકડ કરી હતી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી વિજય માંગેલા ના પિતા પ્રભુ માંગેલા તેના બે પુત્રો વિજય માંગેલા અને પ્રદીપ માંગેલા સાથે મળી દમણથી દારૂનો જથ્થો દરિયાઈ માર્ગે બોટમાં લાવી રહ્યા હતા. અને અહીંથી તેને પીકઅપ ગાડી માં ભરી અને અન્ય જગ્યાએ લઈ જવાના ફિરાકમાં હતા.
પરંતુ લોકો પહોંચી જતા રંગમાં ભંગ પડ્યો હતો. અને એક પુત્ર દારૂની હેરાફેરી કરતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જ્યારે મોકાનો લાભ લઇ અને પિતા પ્રભુ માંગેલા અને આરોપીનોભાઈ પ્રદીપ માંગેલા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તે બંને ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ પોલીસની પ્રાથમિક તપાસમાં દમણથી દારૂનો જથ્થો ભરાવનાર વ્યક્તિ ને પણ વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસે આ કાર્યવાહીમાં બોટમાં લાવાયેલ અંદાજે એક લાખ રૂપિયાથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા અને પીકપ જીપ સહિત મલી અંદાજે 5.55 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિજયની ધરપકડ કરી છે. સાથે જ તેના પિતા પ્રભુ માંગેલા અને ભાઈ પ્રદીપ માંગેલા ને વોન્ટેડ જાહેર કરી તેમને પણ ઝડપી પાડવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે આમ પોલીસે દરિયાઈ માર્ગે પણ ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાના બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.